ઈન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલના પેમેન્ટમાં વિલંબ-કનડગતનાં વિરોધમાં
સરકારે માત્ર 5 થી 10 ટકા જેટલું પેમેન્ટ રીલીઝ કરતા ખાનગી, ટ્રસ્ટો, કોર્પોરેટ સંચાલીત હોસ્પિટલો વેન્ટિલેટર પર આવી હોય તેવી સ્થિતિ
તા.26 થી 29 ચાર દિવસ સુધી કાર્ડની પ્રતિકાત્મક સારવાર નહી મળે: પ્રાઈવેટ હોસ્પિટલ યુનિયને હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ
ગરવી તાકાત, ગાંધીનગર તા. 21 – રાજયમાં પ્રધાનમંત્રીની ડ્રીમ યોજના હેઠળ રાજયના નાગરીકોને પીએમ જેએ વાય કાર્ડમાં વિવિધ રોગોની વિનામુલ્યે સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. ત્યારે છેલ્લા ઘણા માસથી સરકાર અને ઈન્સ્યોરન્સ કંપનીએ ચુકવવા પાત્ર પેમેન્ટ આકાવતા રજૂઆતો બાદ 5 થી 10 ટકા મજાક સમુ પાર્ટ પેમેન્ટ રિલીઝ કરતા ખાનગી હોસ્પિટલો બંધ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થતા આગામી તા.26થી તા.29મી સુધી રાજકોટ સહિત રાજયની ખાનગી હોસ્પિટલો પીએમજેએવાય કાર્ડ પર મળતી સારવાર પ્રતીકાત્મક રીતે નહી આપે તેવું એલાન પીએમજે પ્રાઈવેટ હોસ્પિટલ એસો. ગુજરાતે આપ્યું છે.
પીએમ જય એમ્પેનલ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ પછી પણ સરકારે માત્ર પાંચથી દસ ટકા જેટલું મજાક અને પાર્ટ પેમેન્ટ રિલીઝ કર્યું છે. જે કોઈ પણ હોસ્પિટલને ચલાવવા માટે પુરતું ન જ હોય એ સ્વાભાવિક છે.આથી આર્થિક સંકળામણ અનુભવતી આ હોસ્પિટલો પોતે જ હવે વેન્ટિલેટર પર આવી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે ગરીબ દર્દીઓની જીવાદોરી સમાન આપણા લાડીલા પ્રધાનમંત્રી મોદીજીની ડ્રીમ યોજના હાલ ગુજરાતમાં જ અત્યંત વિકટ પરિસ્થિતિમાં છે.આ ઉપરાંત અત્યારે ચાલી રહેલી બજાજ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલના પેમેન્ટમાં ડિડકશન અને રિજેકશન ઉપરાંત બિનજરૂરી કનડગતો હજુ પણ ચાલુ જ છે. અધિકારીઓ અને સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી.
આથી આખરે ના છુટકે આ બાબતને લોકો સુધી પહોંચાડવા ગુજરાતની હોસ્પિટલો તા.26 થી 29 ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે પ્રતિકાત્મક રીતે દર્દીઓને સારવાર નહી આપે એવું પીએમજે પ્રાઈવેટ હોસ્પિટલ એસો. ગુજરાતે જણાવ્યું છે.એ જોતા એવું લાગે છે કે હવે પીએમ જેએવાય યોજના માટે દર્દીઓને સારવાર લેવા માટે સરકારી હોસ્પિટલમાં જ જવું પડશે એવી સ્થિતિ ટૂંક સમયમાં ઉભી થઈ જશે.મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ સત્વરે આ હોસ્પિટલના પ્રશ્ર્નોનો ત્વરીત ગતિએ ઉકેલ આવે એવી વ્યવસ્થા કરવા ગુજરાતના નાગરિકો તરફથી વિનંતિ છે.