સોશ્યલ મીડીયામાં ACB પર ફરિયાદોનો મારો: વીડીયોથી પણ ભ્રષ્ટાચારની ફરિયાદો
ગૃહવિભાગ તરફથી એસીબીને વિશિષ્ટ સત્તાઓ અને અલાયદી સુવિધાઓ આપવામાં આવી છે. તેના લીધે સોશિયલ મીડીયાના તમામ પ્લેટફોર્મ પર એસીબીનો બહોળો પ્રચાર કરવામાં આવી રહ્યો છે
ગરવી તાકાત, અમદાવાદ,તા.18 – એન્ટી કરપ્શન બ્યુરો છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબજ એકટીવ થઈ ગયો છે. તેના કારણે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ છે. મહત્વનું કારણ છે કે ગૃહવિભાગ તરફથી એસીબીને વિશિષ્ટ સત્તાઓ અને અલાયદી સુવિધાઓ આપવામાં આવી છે. તેના લીધે સોશિયલ મીડીયાના તમામ પ્લેટફોર્મ પર એસીબીનો બહોળો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
લાંચ માંગનારા અને સ્વીકારનારા સરકારી કર્મીઓ હોય કે પછી ખાનગી વ્યક્તિઓ હોય તેવા લોકો વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત એસીબી દ્વારા જેટલા પણ મહત્વના કેસોમાં સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ગુના નોંધાયા હોય તેવા આરોપીના ફોટા અને કેસની ટુંક વિગત સાથે સોશિયલ મીડીયામાં પોસ્ટ કરવામાં આવી રહી છે. પરિણામે એસીબીને ઘણો ફાયદો થઈ રહ્યો છે. એસીબીએ સોશિયલ મીડીયાના તમામ પ્લેટફોર્મ પર જાહેરાત કરવાની શરૂઆત પૂરજોશમાં કરી દીધી છે.
સરકારના કોઈપણ વિભાગના કામ કરાવવા માટે સંબંધીત વિભાગનો કર્મચારી પોતાની ફરજ નિભાવવા માટે લાંચની માંગણી કરે તો તેવા લોકો વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. સોશ્યલ એસીબીના સોશિયલ મીડીયા ઉપરના બહોળા પ્રચારના લીધે વોટસએપ નંબર પર સૌથી વધુ ફરિયાદો મળી રહી છે.
9 વર્ષ પુર્વે એસીબી દ્વારા લાંચના કેસ પુરવાર થઈ ગયા હોય અને આરોપી સજા કાપી રહ્યો હોય તેવા કેસની વિગતો તથા આરોપીના ફોટા સાથેની માહિતી એસટી બસની પાછળ અને બસસ્ટેન્ડ તથા રેલ્વે સ્ટેશન પર જાહેરાત કરવામાં આવતી હતી.
પરંતુ આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં એસીબીએ ટેકનોસેવી બનીને સોશિયલ મીડીયાના તમામ પ્લેટફોર્મ ઉપર એસીબીના કેસ તથા ફરિયાદ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી રહી છે. એસીબીના આ પહેલના લીધે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે અને ભ્રષ્ટાચાર નાબુદ કરવામાં એસીબીને ઘણી મદદરૂપ બની રહી છે. કારણ કે સરકારના એવા ઘણા વિભાગો હોય છે જયાં નાગરિકોને મહદઅંશે જ કામ કરવું પડતું હોય છે.
આ ઉપરાંત સરકારી કચેરીઓમાં થતા ભ્રષ્ટાચારની માહિતી એસીબી સુધી પહોંચી જતી હોય છે પરંતુ અંતરિયાળ અને છેવાડાના ગામડામાં આવેલી સરકારી કચેરીઓમાં થઈ રહેલા ભ્રષ્ટાચારની માહિતી એસીબી સુધી પહોંચવામાં ઘણો વિલંબ થતો હતો. પરંતુ હવે સોશિયલ મીડીયા થકી એસીબી ગામડાંના દરેક નાગરિક અને તમામ કચેરીઓ સુધી પહોંચી ગઈ છે. જેના લીધે ગામડાઓ થતા ભ્રષ્ટાચાર પર તવાઈ બોલાવી દેવામાં આવી છે.
એક જમાનામાં જયારે ગામડાઓમાં તલાટી પાસે કોઈપણ કામ કરાવવું હોય ત્યારે લાંચ આપવી એ નિયમ બની ગયો હતો. પરંતુ એસીબીની ધોસ વધતા હવે તલાટી વર્ગના કર્મચારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. બ્યુરોને ટ્રાફિક અને મહેસુલ જમીન દસ્તાવેજ વિભાગના વધુ વિડીયો મળી રહ્યા છે.
ટેકનોલોજીના આ યુગમાં એસીબી પણ ટેકનોસેવી બની છે અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બહોળો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેનું કારણ છે કે છેવાડાના માનવી સુધી એસીબી પહોંચી શકે અને શહેરથી લઈને અંતરિયાળ ગામડાં સુધી થતા ભ્રષ્ટાચારને અટકાવી શકવાની મુહિમમાં કારગર નીવડી શકાય તેમ વડા ડો. શમસેરસિંહે કહ્યું હતું.