દારૂનું વેચાણ કરતાં બુટલેગરોના પકડાયેલા વાહનો હવે સરકાર હરાજી મારફતે વેચી મારશે 

શેર કરવા અહીં ક્લિક કરો.
આકરી જોગવાઈઓ સાથેનો મુસદો તૈયાર: વિધાનસભાનાં વર્તમાન સત્રમાં જ પેશ કરાશે

દારૂ સાથે કોઈપણ વાહન પકડાય, કાયમી ધોરણે કબ્જે લઈને તૂર્ત હરાજી મારફત વેચાણ કરવાનો સરકારને અધિકાર મળશે : નાણાં સરકારી તિજોરીમાં જમા થશે

રાજયના વધુ પ્રવાસન સ્થળોમાં નશાબંધી કાયદો હળવો કરવાનાં સંકેતોની વિપરીત રાજય સરકાર દારૂબંધીના કાયદાને વધુ કડક કરવાની તૈયારી 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 21 – વિદેશી દારુનું વેચાણ કરતાં બુટલેગરોની દશા હવે બગડશે. કારણ કે બુટલેગરો અત્યાર સુધી પરપ્રાંતિય દારુની હેરાફેરી કરતાં હતા આ દરમિયાન મોંઘી દાટ કારોનો પણ ઉપયોગ કરે છે તો મોટા બુટલેગરો લાખોની કિંમતના ટ્રક સહિતના સાધનોનો ઉપયોગ કરી દારુની હેરાફેરી કરતાં હોય છે. આ માટે રાજ્ય સરકારે વિધાનસભામાં મુસદ્દો તૈયાર કરી દીધો છે. અત્યાર સુધી દારુની હેરાફેરી કરતાં બુટલેગરોનો માત્ર દારુ સાથે વાહનો જપ્ત કરવામાં આવતાં હતા પરંતુ તે વાહનો બુટલેગરો કોર્ટમાંથી આસાનીથી છોડાવી દેતાં હતા. પરંતુ હવે સરકાર ગમે તેવા મોઘા વાહનો હશે દારુની હેરાફેરીમાં પકડાશે તો તે વાહન સરકાર તુરંત જ હરાજી મારફતે વેચાણ કરી નાખશે.

ગીફટ સીટીમાં દારૂબંધીમાં છુટછાટ આપવા સાથે રાજયના વધુ પ્રવાસન સ્થળોમાં નશાબંધી કાયદો હળવો કરવાનાં સંકેતોની વિપરીત રાજય સરકાર દારૂબંધીના કાયદાને વધુ કડક કરવાની તૈયારીમાં છે. હવે દારૂ સાથે પકડાતા વાહન કાયમી રીતે જપ્ત કરી લેવાની અને તત્કાળ હરરાજી કરીને વેંચી નાખવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.વિધાનસભાનાં વર્તમાન સત્રમાંજ આ કાનુની સુધારો દાખલ કરીને મંજુર કરવામાં આવે તેવી સંભાવના છે.

રાજયના નશાબંધી તથા આબકારી વિભાગ દ્વારા આ આકરી દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.દારૂ ભરેલા વાહનને જપ્ત કરીને વેંચી નાખવાની પ્રક્રિયામાં જે નાણાં મળે તે સરકારી તિજોરીમાં જમા કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. રાજય સરકારનાં ગૃહ, કાયદા તથા સંસદીય બાબતોનાં વિભાગો દ્વારા સંયુકત રીતે કાયદામાં સુધારાના મુસદાની ચકાસણી કરવામાં આવી રહી છે. તેના દ્વારા લીલીઝંડી મળ્યે વિધાનસભાનાં વર્તમાન સત્રમાં પેશ કરાશે. વિધાનસભાનું વર્તમાન બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે.

રાજય સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે દર વર્ષે હજારોની સંખ્યામાં દારૂ ભરેલા વાહનો પકડાય છે.ટુ-વ્હીલરથી માંડીને ટ્રક સુધીના વાહનો મારફત દારૂની હેરાફેરી થતી હોય છે. કેટલાંક કેસોમાં અદાલતના આદેશના આધારે આરોપીઓ વાહનો છોડાવી જાય છે અને ફરી વખત વાહનોનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરવામાં આવે છે. દારૂ ભરેલા વાહનો વિશે અનેક કિસ્સામાં દાવા પણ થતા નથી અને તેના નિકાલમાં લાંબો વખત લાગી જાય છે. આ વાહનો સાચવવામાં પણ પોલીસને ઘણી મુશ્કેલી પડે છે. કારણ કે પોલીસ સ્ટેશનમાં જગ્યા હોતી નથી.

આ મુશ્કેલી દુર કરવાની સાથોસાથ દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવવાનાં બેવડા ઉદેશ સાથે સરકારે દારૂની હેરફેરમાં સામેલ વાહનોનો કબ્જો લઈને હરરાજીથી વેચાણ કરી નાખવાની દરખાસ્ત તૈયાર કરી છે.  સરકારનું માનવુ છે કે, આ આકરી જોગવાઈથી બુટલેગરોને દારૂની હેરફેર કરતાં રોકી શકાશે. ઉપરાંત દારૂની ગેરકાયદે ખરીદી વેચાણ કરનારા લોકો પણ વેચાઈ જવાની બીકે ધંધો કરતા અટકશે. સુત્રોએ કહ્યું કે 29 ફેબ્રુઆરીએ બજેટ સત્ર પૂર્ણ થાય તે પૂર્વે જ આ સુધારા વિધેયક વિધાનસભામાં દાખલ કરવાનો સરકારનો ઈરાદો છે. આ પૂર્વે ગુજરાત સરકારે ફેબ્રુઆરી 2017 માં દારૂબંધીનો કાયદો કડક બનાવ્યો હતો. દંડ-જેલસજાની જોગવાઈમાં વધારો કર્યો હતો. ગેરકાયદે દારૂ વેચનારાને 10 વર્ષની જેલસજાની જોગવાઈ કરવામાં આવી હતી તે અગાઉ ત્રણ વર્ષની જ હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.