ભમ્મરીયાનાળાથી કસ્બા શોભાસણ રોડ પર દબાણોના કારણે ટ્રાફિકની રોજબરોજ વકરતી જતી સમસ્યા
મહેસાણા પાલિકાના સત્તાધીશો આ રોડ પરના દબાણો દુર કરાવશે કે માયકાંગલાની જેમ પોતાની ફરજ બજાવશે : જનતા જર્નાદન
ગરવી તાકાત, મહેસાણા તા. 19 – મહેસાણાના ભમ્મરીયાનાળાથી કસ્બા તેમજ શોભાસણ જવાના રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો ઉભા કરી દેવાના કારણે આ ચારમાર્ગીય રસ્તો અત્યાર સાવ સાંકડો થઇ ગયો હોવાના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર અને પાલિકાના સત્તાધીશોના કારણે આ રોડ ઉપર માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા વકરી છે. મહેસાણા પાલિકાના કોર્પોરેટરના પાપે અહીં દબાણોની સમસ્યા વકરી છે અને રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે.
ભમ્મરીયા નાળાથી કસ્બા શોભાસણ રોડ સુધી દબાણો કરાયો હોવા છતાં માયકાંગલા નગરપાલિકાના સત્તાધીશોના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક તેમજ દબાણોની ભારે સમસ્યા સર્જાઇ છે. દબાણો દુર કરવાની જવાબદારી મહેસાણા પાલિકાના સત્તાધીશોની છે પરંતુ અગાઉ નામ પુરતી કાર્યવાહી કર્યા બાદ ગેરકાયદેસર મટન માર્કેટના ગેરકાયદેસર દબાણો વકર્યા છે તો સાથે સાથે પાલિકાનું લાયસન્સ ન ધરાવતાં મટન માર્કેટના વેપારીઓ સરેઆમ મટન માર્કેટનો વેપલો ચલાવી રહ્યા છે. આગામી સમયમાં હિન્દુઓના પવિત્ર માસ એવા શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે જાહેરમાં મટન લટકાવેલું હોવાથી આ વિસ્તારમાંથી નીકળતાં લોકોની લાગણી દુભાઇ રહી છે.
ત્યારે મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ વિસ્તારમાં જે દબાણો વકર્યા છે તેના પર લગામ કશવામાં આવે તે જરૂરી બન્યું છે. ત્યારે શું ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ તેમજ કોર્પોરેટર આ વિસ્તારમાં દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરશે કે હાથ પર હાથ ધરી ટ્રાફિકની સમસ્યાનો માત્ર તમાશો જોયા કરશે આવા અનેક સવાલો શહેરની જનાર્દના કરી રહી છે. મહેસાણા પાલિકાના સત્તાધીશો અને સ્થાનિક કોર્પોરેટરની મિલીભગતના કારણે ભમ્મરીયા નાળાથી કસ્બા શોભાસણ રોડ પર અનેક દબાણો કરનાર તત્વોને છૂટો દોર મળી રહ્યો છે.
નોંધનીય બાબત છે કે ભમ્મરીયા નાળાથી કસ્બા શોભાસણ સુધીના માર્ગ પર અગાઉ એકસાથે ચાર ટ્રકો ચાલી શકે તેટલો રોડ ખુલ્લો હતો પરંતુ મહેસાણા પાલિકાના સત્તાધીસો અને કોર્પોરેટરની મહેરબાનીથી આ રોડ ટ્રાફિકથી ધમધમતો થયો હોવાથી અહીંથી પસાર થતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ રીક્ષા ચાલકો પણ જાણે બેફામ થયા હોય તે રીતે આ માર્ગ પરથી પોતાની રીક્ષાઓ હંકારી રહ્યા હોવાથી સ્થાનિક રહીશો સહિત અન્ય વાહનચાલકો પણ પરેશાન થઇ ગયા છે.