માલણ ગામેથી ચાર માસ અગાઉ ગુમ થયેલ બે સંતાનોની માતા હજુસુધી પરત ન ફરતા બાળકોનો કલ્પાંત

શેર કરવા અહીં ક્લિક કરો.

પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરીયાદ આપવા છતાં મહિલા ન મળી આવતા બાળકો માતા વિના ચોંધાર આંસુડે રડી રહ્યા છે

પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા એક પરિવારની બે સંતાનોની માતા ચાર માસ અગાઉ ગુમ થઇ હતી. પાલનપુર તાલુકા પોલીસ મથકમાં આ ગરીબ પરીવારે ગુમ અંગેની ફરિયાદ આપેલ હોવા છતાં આજદિન સુધી પોલીસ આ મહિલાને શોધી ન શકતા હાલમાં તેના બન્ને બાળકો ચોંધાર આંસુએ રડી રહ્યા છે અને મમ્મીને લાવો. મમ્મીને લાવો.. કહીને રડી રહ્યા હોઈ આ પરીવારે બન્ને બાળકોની માતાને પોલીસ જલદીથી શોધી લાવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો – પાલનપુરના માલણ ગામે મધરાતે દારૂ ભરી આવી રહેલ પીકઅપ ડાલું પલટી ખાઇ ગયુ : ચાલક ફરાર

પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા અને ખેતમજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા એક પરીવારની પુત્રવધુ ગુમ થતા આ પરીવારના માથે જાણે આભ તૂટી પડ્યું છે. માલણ ગામે રહેતા ઈલેશભાઈ ગલબાભાઈ ઠાકોરની પત્નિ ચાર માસ અગાઉ તા.12-05-2021 ના રોજ ગુમ થઈ હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ પણ તે જ સમયે આપવામાં આવી હતી. જેને ચાર માસ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં પોલીસ આ મહિલાને શોધી ન શકી હોવાના આક્ષેપ આ પરીવારે કર્યા છે. ચાર માસથી ગુમ થયેલ માતા ઘરે પરત ન ફરતા તેમનો 5 વર્ષનો પુત્ર અને 7 વર્ષની દિકરી માતા વિના ચોંધાર આંસુએ રડી રહ્યા છે. બન્ને બાળકો પોતાની માતાથી ચાર માસથી અલગ થયેલ હોઈ અત્યંત દુ:ખી છે. પિતા ઇલેશભાઇ નાના દિકરા પિયુષને રમાડીને સતત માતાની યાદો ભૂલાવવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે દિકરી મહેકને તૈયાર કરવાથી લઈને શાળામાં મૂકવા જવું અને લેવા જવું સહિતનો ખ્યાલ રાખી રહ્યા છે. જ્યારે આ બન્ને બાળકોના દાદા અને દાદીની આંખમાંથી પણ દડદડ આંસુડાની અશ્રુધારા વહી રહી છે.
માતાથી વિખૂટા પડેલા બે બાળકો માતાની મમતા વિના ઝૂરી રહ્યા છે અને આ ગરીબ પરીવાર પોલીસવડાને વિનંતી કરી રહ્યો છે કે પોલીસવડા આ કેસમાં અંગત રસ દાખવી બાળકોને તેમની માતા સાથે મિલન કરાવે તેવી માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે પરીવાર હાલમાં તો આ બન્ને બાળકોને તેમની માતા લાવી આપે તેવી માંગ સાથે અરજ કરી રહ્યો છે ત્યારે હવે પોલીસ આ બાબતે કેવા પગલા ભરે છે તે જોવાનું રહ્યું..
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.