પાલનપુર માનસરોવર પાસે રૂ. 41.53 કરોડ ના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગાંધીનગર ખાતેથી નવનિર્મીત રેલ્વે ઓવરબ્રીજનું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ

 
ગાંધીનગર ખાતેથી રૂ.૪૧.૫૩ કરોડના ખર્ચે નવનિર્મીત પાલનપુર–માનસરોવર ખાતેના નવનિર્મીત રેલ્વે ઓવરબ્રીજનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય મંત્રી પટેલે જણાવ્યું હતુ કે, મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે નાગરિકોના સમય, ઇંધણની બચત સાથે સલામત મુસાફરી મળી રહે એ આશયથી ફાટકમુક્ત ગુજરાતના નિર્માણનું સપનું જોયું છે એને સત્વરે પૂર્ણ કરાશે. રાજ્યના શહેરો, નગરો, હાઇવે પર રેલ્વે ઓવરબ્રીજના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ બંને ઓવરબ્રીજના નિર્માણથી આ વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થશે. 
 
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ જે રીતે થઇ રહ્યો છે તેને ધ્યાને લઇને વિકાસકામો, માર્ગોની સુવિધાઓનું નિર્માણ કરવું એ અમારી પ્રાથમિકતા છે અને એ મુજબ ગુણવત્તાલક્ષી કામોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં માર્ગ વિકાસના પરિણામે ખેડૂતોની જમીનના ભાવો પણ વધ્યા છે. દિલ્હી-મુંબઇ કોરિડોર કે જેનો ૫૮૮ કિ.મી.નો વિસ્તાર ગુજરાતમાંથી પસાર થાય છે તેના કામો પણ પૂર્ણતાના આરે છે. જેના પરિણામે દેશનું આર્થિકતંત્ર વધુ વેગવાન બનશે. વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનું સપનું પણ આજે સાકાર થઇ રહ્યું છે. તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન આજે દેશમાં થઇ રહ્યું છે. જેની આયાત- નિકાસ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ગુજરાતના બંદરો પરથી ઉત્તર ભારતના મોટાભાગના માલ-સામાનની નિકાસ થાય છે એને ધ્યાને રાખીને માર્ગ વિકાસના કામોને વધુને વધુ ગુણવત્તાલક્ષી બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જેના પરિણામે યાતાયાતની સુદ્રઢ સુવિધાઓ થકી રોજગારીનું પ્રમાણ પણ વધશે. ભૂતકાળમાં ન થયા હોય તેવા માર્ગ વિકાસના કામો અમારી સરકાર કરી રહી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોની સુવિધામાં વધારો થઇ રહ્યો છે એ જ રીતે ગામડાઓમાં કાચા રસ્તાને પાકા બનાવવા માટે મોટાભાગના ગામડાઓને આવરી લેવાયા છે. જેના લીધે ગ્રામ્યસ્તરે પણ પરિવહન સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે. ઉલ્લેખનીય છે કે, રૂા. ૪૧.૫૩ કરોડના ખર્ચે પાલનપુરના માન સરોવર ખાતે નિર્માણ થયેલ રેલ્વે ઓવરબ્રીજ ૧૩૯૫ મીટર લંબાઇ ધરાવતો દ્વિમાર્ગીય બ્રીજ છે. જેની પહોળાઇ ૮.૪૦ મીટર છે અને બ્રીજના એક તરફ પ.૫૦ મીટરનો પહોળો સર્વિસ રોડ પણ તૈયાર કરાયો છે. અમદાવાદથી દિલ્હી સુધીમાં પેસેન્જર ટ્રેઇન અને માલવાહક ટ્રેઇન માટે હાલ એક જ રેલ્વે ટ્રેક છે. રેલ્વે અને ડી.એફ.સી.સી. દ્વારા ચાર ટ્રેક પર ટ્રેઇન ચલાવવાની યોજના હાથ ધરાઇ છે. બ્રીજના લોકાર્પણથી પાલનપુરના નાગરિકોની સુવિધામાં વધારો થયો છે.
 
 
 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.