ગરવી તાકાત,મહેસાણા: દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો દરમ્યાન જાહેર જનતાને ભયજનક/ હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણના વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડા ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે. તહેવારો દરમ્યાન ફટાકડામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે મહેસાણા જિલ્લામાં ફટાકડા ખરીદી, વેચાણ અંતર્ગત વિવિધ આદેશ કરેલ છે.આ પ્રતીબંધમાં લોન્ચરરોકેટ જેવી બનાવટોની વસ્તુઓને દિવાળીના તહેવાર દરમ્યાન ઉપયોગ ન થાય તે સારું પ્રદીપસિંહ રાઠોડ (જી.એ.એસ) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મહેસાણા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 (1974 નો બીજો) ની કલમ-144 થી મળેલ સત્તાની રૂએ મહેસાણા જિલ્લાની હદ વિસ્તારમાં સુચનાઓનું ચુસ્ત પણે પાલન કરવા માટે આદેશ ફરમાવેલ છે.
આ પ્રતીબંધમાં જનતાએ નીચે જણાવેલ આદેશનુ પાલન કરવાનુ રહેશે.
(1) દિવાળીના તહેવારો દરમ્યાન રાત્રીના 08.00 થી 22.00 કલાક દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે.
(2) હાનીકારક ધ્વની પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO(પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન) સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની સ્તર (Desibel Level) વાળા જ ફટાકડા વેચી, વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/ માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર PESO થી સૂચના પ્રમાણે માર્કિંગ હોવું જરૂરી છે.
(3) સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ) થી મોટા પ્રમાણમા હવા/અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી, ફોડી કે વેચાણ કરી શકાશે નહી.
(4) લોકોને અગવડ ઊભી ન થાય કે કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મહેસાણા જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામોની નજીકમાં ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહિ.
(5) કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી, કે વેચાણ કરી શકાશે નહી.
(6) ઇ- કોમર્સ વેબસાઈટ ફ્લીપકાર્ડ, એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડા વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઇ શકશે નહી કે વેચાણ કરી શકશે નહી.
(7) હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના સ્થળોની સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ.
(8) કોઇપણ પ્રકારના સ્કાય લેન્ટર (ચાઈનીઝ ટુક્કલ/આતાશબાજી) રોકેટનું ઉત્પાદન થતાં વેચાણ કરી શકાશે નહિ તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી. આ જાહેરનામાં નો અમલ 30 નવેમ્બર 2020 ના 22.00 કલાક સુધી અમલમાં રહેશે.
જ્યારે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે દિવાળીના તહેવારમાં વાયુ અને ધ્વની પ્રદુષણને ધ્યાનમાં રાખી ફટાકડાના ઉપયોગ નહી કરવાનો આગ્રહ કર્યો હતો ત્યારે ભાજપના સમર્થક લોકો અંદરખાને એમને કોઈ એક ચોક્કસ ધર્મના વિરોધી જણાવી રહ્યા હતા. પરંતુ અહિ રાજ્યમાં પણ અનેક જગ્યાએ ફટાકડા ઉપર આશિંક પ્રતીબંધ મુકવામાં આવ્યો છે ત્યારે બીજેપી સમર્થકો આ પગલાને કેવી રીતે લેશે એ જોવાનુ રહ્યુ.