ગરવી તાકાત મેહસાણા: ઊંઝા પાલિકાના પ્રમુખ રીંકુબેન પટેલના પતિ નિખિલ પટેલ પોતાની ખાનગી સ્કીમો માટે ઊંઝા નગરપાલિકાના કર્મચારી તેમજ સાધન સામગ્રી લોડર અને ટ્રેક્ટરનો દુરઉપયોગ કરતા હોવાનો આક્ષેપ સાથેનો વીડિયો વિપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મૂકતાં નગરપાલિકા સહિત સમગ્ર શહેરમાં ખળભળાટ મચ્યો છે.
સોશિયલ મીડિયામાં પાલિકા પ્રમુખ પર પાલિકાના જ વિપક્ષ કોર્પોરેટર પાલિકાના સંસાધનોનો દુરુપયોગ કરાતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષ કોર્પોરેટર દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી જણાવ્યું હતું કે, પાલિકા પ્રમુખ પાલિકાનું લોડર ટ્રેક્ટરનો દુરુપયોગ કરી રહ્યા છે.
ઊંઝા પાલિકા ખાતે ચીફ ઓફિસરને પટેલ હિતેનકુમાર કાન્તિલાલની અરજી આવેલ હતી. જે અરજીમાં જણાવેલ કે ટી.પી. સ્કીમ નંબર 6માં ફાઇનલ પ્લોટ નંબર 111, 112માં આજુબાજુના રહીશોના કહેવાથી અમોએ સાફ કરી કચરાનો ઢગલો કરેલ છે. આ કચરામાં જીવજંતુઓ અને મૃત્યુ પામેલ કૂતરા કોઈ નાખી ગયેલ હોવાથી ભરવા રજૂઆત કરાઈ હતી.
પાલિકાના ખર્ચે સાઈડોનું કામ કરાવે છે : ભાવેશ પટેલ: ઊંઝા નગરપાલિકાના વિપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા પાલિકાનું લોડર અને ટ્રેક્ટર માંડી સાંજના સુમારે પડેલ હોઈ સ્થળ તપાસ કરતાં કામ પાલિકાની જગ્યા પર નહીં પરંતુ ખાનગી સ્થળે ચાલતું હોઈ જે અટકાવ્યું હતું. તેમજ પાલિકા પ્રમુખના પતિ નિખિલ પટેલ જેઓ ઊંઝા નગરપાલિકના વહીવટી કામકાજમાં દખલ અંદાજી કરે છે. પ્રમુખ પતિ પોતે માલિકીની જગ્યા ઉપર પાલિકાના ખર્ચે તેમની સાઇડોનું કામકાજ કરાવે છે.
સત્ય હકીકત થી વિપરીત વીડિયો મૂકાયો : જસ્મીન પટેલ: ઊંઝા નગરપાલિકા ચીફ સેનેટરી ઇન્સપેક્ટર જસ્મીન પટેલે જણાવ્યું હતું કે, અપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્વારા જે વીડિયો ક્લીપ મુકવામાં આવી છે. તે તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલ છે. ઊંઝા પાલિકાના કર્મચારીઓને કચરો ઉપાડી લેવા માટે સવારે પોગ્રામ આપવામાં આવે છે. પરંતુ કામની વ્યસ્તતાને કારણે કર્મચારીઓ ઓફિસ સમય બાદ કચરો ભરવા ગયા હતા. પ્રમુખની વ્યક્તિગત ઇમેજને હાનિ પહોંચાડવા સત્ય હકીકત થી વિપરીત વીડિયો મૂકી ઊંઝા નગરના શહેરીજનોને ઉશ્કેરવાનો વ્યર્થ પ્રયત્ન કરેલ છે.