મહેસાણામાં અડધો ડઝન દુકાનો સીલ કરીને સંતોષ માનતી નગરપાલિકા

શેર કરવા અહીં ક્લિક કરો.

— બાકીદારો પાસેથી કરોડોનો વેરો વસુલવાનો બાકી છે ત્યારે :

— ત્રણ મિલકતધારકોએ સ્થળ પર જ બાકી વેરો ભરી દીધો :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના મિલકતધારકો પાસેથી વરસોથી નગરપાલિકાએ અંદાજે રૃ.૨૭ કરોડ વેરો ઉઘરાવવાનો બાકી છે. આજે ગુરુવારે પાલિકાની ટીમે શહેરના ભમ્મરિયા નાળા બહાર, સાતત્ય કોમ્પ્લેક્સના ૬ જેટલાં બાકીદારોએ રૃ.૯૦ હજાર જેટલો વેરો નહીં ભરતાં દુકાનોને સીલ મારી દીધાં હતા. જ્યારે અત્રેના સિધ્ધિ વિનાયક કોમ્પ્લેક્સના ત્રણ દુકાનદારોએ સ્થળ પર બાકી વેરાની ભરપાઈ કરી હતી.

મહેસાણા નગરપાલિકા દ્વારા વરસોથી મિલકત વેરાની વસુલાત પેટે અધ..ધ..૨૭ કરોડની ઉઘરાણી બાકી રહી છે.  કેટલીકવાર પાલિકાના અધિકારીઓ આરંભે શૂરાની જેમ બાકીદારો પર ત્રાટકી મિલકતો સીલ કરવાનો ખેલ નાખી સંતોષ માનતા હોય છે. થોડાંક દિવસ વેરા રિકવરીની ઝુંબેશ ચલાવી ફરી પાછાં મૂંગામંતર થઈ જતાં હોય છે. તાજેતરમાં નગરપાલિકાએ ખુદના કર્મચારીઓ હોવા છતાં વેરા વસુલાત માટે કોઈ એજન્સીની નિમણૂંક કરવાની હિલચાલ હાથ ધરી હતી. જો કે, તેની અમલવારી થતાં પૂર્વે જ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાની મુરાદ બર આવી ન હતી.

આજે ગુરુવારે નગરપાલિકાના વેરા શાખાની ટીમે અત્રેના  ભમ્મરિયા નાળા બહાર સાતત્ય કોમ્પ્લેક્સમાં આવેલી ૬ દુકાનોના વેપારીઓએ રૃ.૯૦,૦૮૫ હજારના બાકી મિલકત વેરાની ભરપાઈ નહીં કરતાં સીલ કરવામાં આવી હતી. જ્યારે ત્રણ દુકાનદારોએ સ્થળ પર રૃ.૨૮,૭૧૭ ની ભરપાઈ કરી હતી.  આમ, પાલિકાએ આજે અડધો ડઝનેક દુકાનોને સીલ મારી દેતાં અન્ય બાકીદારો ફફડી ઊઠયાં હતા?

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.