કડી ભીમનાથ મહાદેવ મંદિરથી ભાગ્યોદય જવાના માર્ગ પર વરસાણી પાણીના નિકાલ માટે મુકવામાં આવેલી 11 જાળીઓની ચોરી કરી હતી
બે બાળકો અને ત્રણ લબરમુછિયાઓએ ભેગા મળી લોખંડની જાળીઓ ચોરી કરી હતી
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે માસ અગાઉ થયેલી ચોરીનો વણઉકલ્યો ભેદ ઉકેલી 1 લાખ 62 હજાર 999નો મુદ્દામાલ કબજે કર્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – Sohan Thakor – કડી પોલીસ સ્ટેશનમાં કડી ભીમનાથ તળાવથી ભાગ્યોદય જવાના રસ્તા પર વરસાદી પાણીના નિકાલ માટે મુકવામાં આવેલી 11 લોખંડની જાળીઓની બે માસ અગાઉ ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનાનો ભેદ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી 11 જાળીઓ કબજે કરી પાંચ શખ્સો પૈકી બે બાળકો હતા ત્યારે 3 લબરમુછિયાઓને દબોચી લીધા હતા.
મહેસાણા જિલ્લામાં વણ ઉકલ્યા કેસોને ભેદ ઉકેલવા તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલના માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાા પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો. પ્રદિપકુમાર, પોકો. આકાશકુમાર, જોરાજી, જસ્મીનકુમાર, સંજયકુમાર સહિતનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોકો. જોરાજી તથા જસ્મીનકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે,
કલાલ હકીલ સિકંદરભાઇ રહે. કડી મલ્હારપુરા કલાલવાસ, ઠાકોર વિકાસ સરદારજી રહે. કડી ગાંધીચોક, બકરાવાળી, દંતાણી વિજય કમલેશભાઇ રહે. અલદેસણ દંતાણીવાસ તા. કડીવાળો તથા બે બાળકોન જે લોખંડની જાળીઓની ચોરીમાં સંડોવાયેલા છે તે કડી નુરબાનું ફાર્મ બાવળોની ઝાડીઓ પાસે હાજર છે. જે બાતમી મળતાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નુરબાનું ફાર્મ હાઉસ કડી પહોંચી ઘટના સ્થળ પરથી 11 લોખંડની જાળીઓ જેનું વજન 717 કિલોગ્રામ જેની કિંમત 92,999 તથા રીક્ષા નંબર જીજે18-બીયુ-6118 જેની કિંમત 70 હજાર મળી કુલ રૂપિયા 1,62,999ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને દબોચી લઇ કડી પોલીસને સોપ્યાં હતા.
મહત્વની બાબત છે કે વરસાદી નિકાલ માટે મુકવામાં આવેલી 11 જાળીઓ બે માસ અગાઉ ચોરી કરી હતી જે વેચવા જવાની તૈયારીમાં હતા અને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી તમામ મુદ્દામાલ કબજે કરી બે માસ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર તત્વોની આશા પર પાણી ફેરવી દીધું હતું.