આજથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં બનાસકાંઠા જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું. વહેલી સવારથી જ ભોળાનાથના ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા.
શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. હાલમાં કોરોનાની મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિરોમાં દર્શન કરવા માટે સૂચના આપવામાં આવેલી છે, એવામાં બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં આજે શ્રાવણ માસનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે જ ભક્તોએ સરકારી ગાઈડ લાઈન અનુસાર ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતાં.
આ પણ વાંચો – ‘પાંડવો વખતના મનાતા’ દુદોસણ ગામ નજીક આવેલ લુણેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ
બનાસકાંઠાના યાત્રાધામ બાલારામ ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે અવિરતપણે વર્ષોથી વહેતી જલધારા અને હાથીધરા ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર અને બાજોઠીયા મહાદેવ મંદિર ઉપરાંત પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ મંદિર જેવા ઐતિહાસિક મંદિરો આવેલા છે. જ્યાં આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન ભોળાનાથના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને મંદિરોમાં ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું હતું.