
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના પડતર પ્રશ્નો જેવા કે આદિવાસી સમાજના લોકો માટે વન અધિકાર – 2006 કાયદો લાગુ કરવા અને તાત્કાલિક ધોરણે 7/12 ના ઉતારા નામે કરવા, છાપરાં અને હાથીદરાના આદિવાસીઓના વન અધિકારના દાવાઓ 315 અને 120 નો નિકાલ કરવો તેમજ વન અભ્યારણ્યમાં વસતા લોકોને જંગલખાતા દ્વારા થતી હેરાનગતિ બંધ કરવી જેવા મુદ્દાનુ નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી.

આ સીવાય આદિવાસી વિસ્તારમાં પાણી, વીજળી અને રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરવી, એસ.સી., એસ.ટી., સબ પ્લાનના નાણાંનો ઉપયોગ ફક્ત અનુ.જાતિ અને અનુ.જનજાતિ માટે જ કરવામાં આવે, કરમાવતમાં વસતા 50 પરિવારોને જંગલ જમીનના 7/12 ના ઉતારા તાત્કાલિક મંજુર કરવા અને આદિવાસી વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં સંજીવની યોજના હેઠળ બાળકોને દૂધ પૂરૂ પાડવું અને દાંતા અને અમીરગઢ તાલુકાને સંવિધાનની અનુ.પ માં સામેલ કરવા તેમજ સરકારી ભંડોળમાંથી આદિવાસી વિસ્તારમાં સ્વરોજગાર ઉભા કરી અને તાલીમ આપી સ્વનિર્ભર કરવા જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી.