જમીન સંપાદન વળતરમાં અધિકારીઓ અને સાગરિતોએ 12 કરોડનું કૌભાંડ કર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

— અમદાવાદ-વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટમાં

— મહેસૂલી અધિકારી તેમજ કૌભાંડકારો સામે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ, વળતર કૌભાંડમાં સામેલ અધિકારીઓની ધરપકડની સંભાવના

 અમદાવાદ- વડોદરા-મુંબઇના એક્સપ્રેસ હાઇવેમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. વડોદરાથી દક્ષિણ ગુજરાતમાં પસાર થતાં હાઇવે માટે નવસારી જિલ્લાના ખુંધ તેમજ અલીપુર ગામની જમીનમાં 12 કરોડ રૂપિયાનું સંપાદન વળતર મૂળ જમીન માલિકને મળવાની જગ્યાએ કૌભાંડિયા અને વચેટીયા તત્વો તેમજ જમીન સંપાદન અધિકારીઓ ચાંઉ કરી ગયા છે.

આ જમીન કૌભાંડનો પર્દાફાશ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે. તેમણે આ કિસ્સાની તપાસ શરૂ કરી છે જેમાં 12 કરોડ રૂપિયાનું જમીન સંપાદન વળતર બારોબાર ખવાઇ ગયું છે અને મૂળ જમીન માલિકને મળ્યું નથી. સરકારના આદેશને પગલે ચીખલી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ કેસની સીધી ફરિયાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી હતી અને મહેસૂલ મંત્રીને પગલાં લેવાની ભલામણ કરી હતી. સમગ્ર પ્રકરણમાં નવસારી જિલ્લાના જમીન સંપાદન સાથે સંકળાયેલા મહેસુલી અધિકારીઓની સંડોવણી પણ સ્પષ્ટ રીતે બહાર આવી છે. જેના પગલે સીનીયર અધિકારીઓની ફરજ પ્રત્યે બેદરકારી તેમજ કૌભાંમાં સંડોવણીના આરોપસર ધરપકડના ભણકારા વાગી રહયા છે.

નવસારીના ખેડૂત દિપક ઠાકોરભાઈ પટેલ દ્વારા ખુંધ તથા અલીપુરમાં થયેલા વળતર કૌભાંડની લેખિત ફરિયાદ મહેસુલ મંત્રી સમક્ષ કરાઈ હતી. નવસારીના ખુંધ તથા અલીપુરની અલગ અલગ સર્વે નંબરની 12 જેટલી જમીનના કિસ્સામાં મૂળ જમીન માલિકોના સ્થાને તેમના જ નકલી પાવર ઓફ એર્ટની બનાવીને તેમજ બેન્ક ખાતની ડિટેઈલ આપીને અંદાજિત 12 કરોડની વળતરની રકમ જમીન માફિયાઓ, વકીલ તથા મહેસૂલ વિભાગના સંપાદનની કાર્યવાહી સાથે સકળાયેવા નવસારીના અધિકારીઓની મીલીભગતના કારણે બારોબાર ઉચાપત થઈ જવા પામી છે.

આ કૌભાંડની ફરિયાદ સીધી ગાંધીનગરમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મળી હતી. એક કિસ્સામાં તો દક્ષિણ આફ્રિકા ખેડૂતનો નકલી પાવર ઓફ એટર્ની પણ સંપાદનનું વળતર મેળવવા માટે સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરાયો હતો.

અલબત્ત , આ નકલી દસ્તાવેજો ચકાસ્યા વગર તેનું વળતર નકલી ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ થઈ ગયુ અને તેને કૌભાંડી તત્વોએ બેન્કમાથી ઉપાડી પણ લીધુ છે. જયારે નકલી ખેડૂતને તેનું એકાઉન્ટ ઉપયોગ કરવા દેવા સામે ચાર લાખ અપાયા હોવાની વિગતો સામે આવી છે.

ચીખલી ખાતે નોંધાયેલી ફરિયાદમાં આરોપીઓ તરીકે (1) ઈલ્યાશ ઈસ્માઈલ મુલ્લા રહે. આલીપોર – નવસારી (2) શાહજહા ગુલાબનબી મન્સુરી – રહે આલીપોર – નવસારી (3) એટવોકેડ એ એ શેખ ન્યૂ રાંદેર રોડ , સુરત (4) જફર એ શેખ એડવોકેટ ન્યૂ રાંદેર રોડ સુરત , (4) ઈદ્રીશ અબ્દુલ રહીમ શેખ રહે. ડાભેલ નવસારી ને દર્શાવવામા આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓમા મહેસુલી અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે.

આ સમગ્ર જમીન સંપાદન વળતર  કૌભાંડ ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2022 દરમ્યાન આચરવામા આવ્યુ છે. પોલીસ ફરિયાદ ફાતમાબેન માયાત દ્વારા આપવામા આવી છે.

રાજેન્દ્રત્રિવેદીએ કહયું હતું કે વડોદરા-મુંબઇ એકસપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન બાદ નવસારી જિલ્લામાં ખુંધ તથા આલીપોર ગામની જમીન સંપાદિત થયા બાદ તેનું વળતર  મેળવવા માટે કૌભાંડકારોએ મેળપીપણામાં  મૂળ ખેડૂતોના નકલી પાવર ઓફ એર્ટની રજૂ કરીને વળતર ખોટા બેન્ક એકાઉન્ટની વિગતો આપીને તેમાં વળતરનો ચેક મેળવીને-જમા કરાવીને રકમ ચાઉં કરી દેવામાં આવી છે

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.