— પાલડી, ચાંદખેડા સહિત 19 વિસ્તારોમાં એજન્ટો નિમી ઉઘરાવેલા પૈસા પરત ન કરી મહેશ ભદ્રા ભૂગર્ભમાં : પુત્ર અને પુત્રીની ધરપકડ
ફાઈનાન્સનું લાઈસન્સ ધરાવીને મંજુરી મેળવી ચિરાગ મિત્ર મંડળના નામે સ્કીમો ચલાવતો સ્કીમ સંચાલક 535 લોકોના 2.92 કરોડ રૂપિયા ઓળવીને પલાયન થયાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ છે. મહેશ ભદ્રા નામના સંચાલકે બહેરામપુરા, વટવા, નિકોલ સહિત છ સ્થળે ઓફિસો ખોલી અને પાલડી, ચાંદખેડા સહિત 19 વિસ્તારોમા એજન્ટો નિમીને મંથલી બચત અને એક કા ડબલ સ્કીમ ચાલુ કરી હતી.
સ્કીમ પૂર્ણ થઈ અને પૈસા પરત કરવાના આવ્યા ત્યારે કોરોનાના નામે એક મહિનાનો સમય મેળવનાર જુન મહિનાના અંત ભાગમાં મહેશ ભદ્રા પલાયન થઈ ગયો હતો. આખરે, એક એજન્ટે ફરિયાદ નોધાવતા ક્રાઈમ બ્રાન્ચે મહેશ ભદ્રાની શોધખોળ શરૂ કરી છે. તેના પુત્ર ચિરાગ અને પુત્રી મમતાની અટકાયત કરી તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે.
બહેરામપુરામાં રહેતા ફેનિલભાઈ અનિલભાઈ રાઠોડે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ફેનિલભાઈ અગાઉ નવા નરોડામાં રહેતા મહેશભાઈ પરમાનંદ ભદ્રા (કાઠિયાવાડી)ને ત્યાં ઓફિસબોય તરીકે કામ કરતા હતા. મહેશભાઈ બહેરામપુરામાં અનમોલ કોમ્પલેક્સમાં આનંદ એન્ટરપ્રાઈઝ નામે ઓફિસ ધરાવીને નાણાં ધિરધારનું કામ લાઈસન્સ ધરાવીને કરતા હતા.
મહેશ ભદ્રાએ ચિરાગ મિત્ર મંડળ નામની સ્કીમમાં સભ્યો બનાવ્યાં હતાં. મહિને ચોક્કસ રકમ ઉઘરાવી અમુક મહિનાની સ્કીમ ચલાવતા હતા. રજીસ્ટર્ડ કરેલી ચિરાગ મિત્ર મંડળની સ્કીમમાં દર મહિને એક લકી ડ્રો રાખવામાં આવતો હતો. વિજેતા થનારને અલગ અલગ રકમ ઈનામ આપવામાં આવતી હતી. જેમનું નામ ડ્રોમાં આગળ – પાછળનું નામ હોય તેમને પણ પ્રોત્સાહન ઈનામ અપાતા હતા.
મહેશભાઈએ બહેરામપુરા ઉપરાંત કુબેરનગરમાં આઝાદ મેદાન પાસે શિવમંદિર પાસે, ઉમા હોસ્પિટલ નીચે, નિકોલ – નરોડા રોડ ઉપર અને વટવા ગામ ખાતે ઓફિસો ખોલી હતી. કુબેરનગર અને નરોડા ખાતે ઈનામી સ્કીમનું કામ ચાલતું હતું અન ત્યાં મહેશભાઈ ભદ્રા અને ચિરાગ ભદ્રા બેસતા હતા. વટવાની ઓફિસે ખાનગી ફાઈનાન્સનું કામ ચાલતુ હતું.
આ બન્ને સ્કીમો એજન્ટ મારફતે ચલાવાતી હતી. મંથલી બચત જેવી સ્કીમમાં એજન્ટે પૈસા પણ ઉઘરાવી લાવવાના હતા અને સભ્યદિઠ 100 રૂપિયા કમિશન નક્કી કરાયું હતું. 100 રૂપિયા વધારે ભરે તે સભ્યનું મત્યુ થાય તો પરિવારને 3 લાખનો વિમો ચૂકવાશે તેવી જાહેરાત કરાઈ હતી.
ફરિયાદી ફેનિલ રાઠોડને આરોપી મહેશ ભદ્રાએ એજન્ટ તરીકે કામ કરવા ઈજન આપ્યું હતું. ફેનિલભાઈએ તેમના પિતાના અનિલભાઈ શંકરભાઈ રાઠોડ ઉપરાંત પરિવારના સભ્યો અને અન્ય લોકો મળી કુલ 34 સભ્યો બનાવ્યાં હતા. સભ્યદીઠ પૈસા એકત્ર કરી કમિશનના પૈસા કાઢી ફેનિલભાઈ દર મહિને 65000 રૂપિયા મહેશ ભદ્રા પાસે જમા કરાવતા હતા. મહેશ ભદ્રા હાજર ન હોય તો તેમના પુત્રી મમતાબહેનને રકમ આપતો હતો.
મમતાબહેન તેમના ઘરે રજીસ્ટર રાખતા હતા તેમાં નોંધ કરતા હતા. પણ, પૈસા મળ્યાં અંગે કોઈ પહોંચ કે લખાણ આપતા નહોતા. આ સ્કીમ 18-4-2021ના રોજ પૂર્ણ થતી હતી પરંતુ તેમાં કોરોનાના કારણે ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો. ફરિયાદી ફેનિલભાઈએ આ સ્કીમમાં લોકોના કુલ 19.50 લાખ મહેશ ભદ્રા પાસે જમા કરાવ્યા હતા. આવા અન્ય કુલ 19 એજન્ટો નિમીને મહેશ ભદ્રાએ લોકોના નાણાં એકત્ર કર્યા હતા.
અમદાવાદના સૈજપુર, જમાલપુર, કુબેરનગર, બહેરામપુરા, નરોડા, નાના ચિલોડા, રખિયાલ, નિકોલ, પાલડી, બાપુનગર, નારોલ, ચાંદખેડા, ન્યુ રાણીપ વિસ્તારના મળી કુલ 19 એજન્ટો નિમવામાં આવ્યા હતા. કુલ 475 સભ્યો બનાવીને તેમની પાસેથી 2.78 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરવામાં આવી હતી.
મહેશભાઈએ સ્કીમમાં કુલ 2505 સભ્યો હોવાનું જાહેર કર્યું હતું પરંતુ, રોકાણકારો અંગે કોઈ જ વિગતો જાહેર કરાઈ નહોતી. કુલ 2.57 કરોડ રૂપિયા ઉઘરાવ્યા તેમાંથી ચાંદખેડાના એજન્ટને 10 લાખનું ઈનામ, અન્ય 10 લાખના ઈનામો અન્ય સભ્યોને તેમજ 10.59 લાખ રૂપિયા એજન્ટોને કમિશનપેટે ચૂકવ્યા હતા. પરંતુ, બાકીના 2.57 કરોડ રૂપિયા સભ્યોને રકમ પરત કરી નહોતી અને સ્કીમ પણ આજ સુધી પૂર્ણ કરી નથી.
જ્યારે એક કા ડબલની સ્કીમમાં કુલ 60 સભ્ય થયા હતા. આ પૈકી પચ્ચીસ મહિના સુધી દરેક સભ્યોને બે લાખ પરત મળ્યા હતા. આ પછી જેમને બે લાખ રૂપિયા ચૂકવવાના હતા તેમણે ચેક માંગતા મહેશભાઈએ પોતાને કોરોના થયો હોવાથી એક મહિના પછી ચેક ભરવા જણાવ્યું હતું.
બે લાખ રૂપિયા મેળવવાના થતા હતા તેવા સભ્ય અમરતભાઈ પૈસાની જરૂર હોવાથી મિત્ર મંડળની ઓફિસે પહોંચ્યા હતા. તા. 24-6-2021ના રોજ મહેશભાઈ ઓફિસે આવ્યા નહોતા. મહેશભાઈએ સાંજે સાતેક વાગ્યે ઓફિસે આવવાની વાત કર્યા પછી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો.
બીજા દિવસે મહેશભાઈના પત્ની કિરણબહેને ફોન કરીને ફેનિલભાઈને પૂછ્યું હતું કે, મહેશ બહેરામપુરા ઓફીસે આવ્યા હતા? તા. 24ના રોજ બપોરે એક્ટિવા લઈ 20 લાખ રૂપિયા સાથે ઘરેથી નીકળ્યા પછી મહેશભાઈ પરત આવ્યા નથી. આ અંગે પરિવારના સભ્યોએ તા. 25 જૂનના રોજ કૃષ્ણનગર પોલીસમાં મહેશ ભદ્રા લાપતા થયાની ફરિયાદ નોંધાવી હતી.
આમ, બે સ્કીમમાં કુલ 535 સભ્યો બનાવી કુલ 2.92 કરોડની રકમ મેળવ્યા પછી લાપતા થયેલા સ્કીમ સંચાલક મહેશ ભદ્રા સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ છે. ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એસ.એમ. પટેલે જણાવ્યું કે, સ્કીમમાં ઉઘરાવેલા નાણાં મહેશ વ્યાજમાં ફેરવતો હતો તે ચક્કર તૂટતાં ભાગ્યો હોવાની વિગતો છે. હાલમાં તેના પુત્ર ચિરાગ અને પુત્રી મમતાની ધરપકડ કરાઈ છે.
— બે-ત્રણ સફળ સ્કીમોથી ભરોસો જીતનાર મહેશે મંથલી અને એક કા બચત સ્કીમમાં ડૂબાડયા
મહેશભાઈ ભદ્રાએ અગાઉ બે-ત્રણ સ્કીમો ચલાવી હતી તે પૂર્ણ કરી લોકોનો ભરોસો જીત્યો હતો. તા. 16-9-2018ના રોજ મહેશભાઈ ભદ્રાએ ચિરાગ મિત્ર મંડળ નામની બે નવી સ્કીમ શરૂ કરી હતી. એક સ્કીમમાં 2000 રૂપિયાના કુલ 32 હપ્તા ભરવાના હતા. દર મહીને 16મી તારીખે ડ્રો કરીને પહેલા મહિને ઈનામ લાગનાર વ્યક્તિને દોઢ લાખ રૂપિયા ઈનામ.
આ ઈનામમાં દર મહિને 50000 રૂપિયાનો વધારો કરવામાં આવશે. ઈનામ જીતનાર વ્યક્તિની આગળ – પાછળના વ્યક્તિને 100 ગ્રામ ચાંદીના બિસ્કીટ પ્રોત્સાહન ઈનામ આપવાના હતા. ઈનામ લાગે તેણે મહિને 2000 રૂપિયા ભરવામાંથી મુક્તિ અને સભ્યપદ રદ થશે તેવી સ્કીમ જાહેરાત કરાઈ હતી.
કુલ 3000 સભ્યોની સ્કીમમાં 32 હપ્તા પૂરા થાય એટલે ઈનામ લાગ્યું હોય તેવા સભ્યને 6000 રૂપિયા ઉમેરીને 70000 રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે તેવા કાર્ડ તૈયાર કરાયા હતા. કાર્ડની પાછળ હપ્તાની સંખ્યા અને પૈસા સ્વિકારનારની સહિ સહીતની વિગતો છપાયેલી હતી. જ્યારે, એક કા ડબલની બીજી સ્કીમ તા. 10-3-2019થી શરૂ કરવામાં આવી હતી.
દરેક સભ્યએ એક લાખ રૂપિયાની રકમ આનંદ ફાઈનાન્સમાં એડવાન્સમાં ભરવાની રહેતી હતી. 60 સભ્યોની આ સ્કીમ ચાલુ થઈ તેના એક મહિના બાદ લકી ડ્રો કરી 1થી 60 નંબર ખૂલે તે રીતે તમામ સભ્યોને 2 લાખ રૂપિયા આનંદ ફાઈનાન્સ તરફથી ચેકો તારીખ પ્રમાણે એડવાન્સમાં આપવામાં આવનાર હતા. મતલબ કે, એક લાખ રૂપિયા ભરે તેવા સભ્યોને 2 લાખ રૂપિયા પરત કરવા લાલચ અપાઈ હતી
(ન્યુઝ એજન્સી)