બુધવારે દેશમાં કોરોના વાયરસનાં નવા કેસોમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં, દેશભરમાં ૨.૮૨ લાખ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે, જે મંગળવાર કરતા ૧૮ ટકા વધુ છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણનાં કારણે ૪૪૧ દર્દીઓનાં મોત થયા છે. મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ ૪,૮૭,૨૦૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કિસ્સામાં પણ આજે તેજી જાેવા મળી છે
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનાં કેસમાં વધારો થયો છે. મંગળવારે ઘટ્યા બાદ આજે કોરોનાનાં કેસમાં ૧૮ ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, આજે દેશમાં ૨,૮૨,૯૭૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં હાઈલી ટ્રાન્સમિસિબલ વેરિઅન્ટ ઓમિક્રોનનાં કુલ કેસની સંખ્યા ૮,૯૬૧ પર પહોંચી ગઈ છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં આ વાયરસનાં કારણે ૪૪૧ લોકોનાં મોત થયા છે, જેમાંથી ૧૨૨ લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યો છે. દેશમાં આ મહામારીથી મૃત્યુઆંક વધીને ૪,૮૭,૨૦૨ થઈ ગયો છે. ભારતમાં સક્રિય કેસનો ભાર હાલમાં ૧૮ લાખને વટાવીને ૧૮,૩૧,૦૦૦ પર પહોંચી ગયો છે, કુલ કેસોમાં સક્રિય કેસનો હિસ્સો ચાર ટકાથી વધીને ૪.૮૩% થયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ફરી એકવાર વધીને ૧૫.૧૩% થયો છે
આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧,૫૮,૮૮,૪૭,૫૫૪ કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૯,૯૧,૨૩૦ લોકોને રસી આપવામાં આવી છે. રીકવરી રેટ હાલમાં ૯૪.૦૯% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૮,૧૫૭ સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૩,૫૫,૮૩,૦૩૯ થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે એટલે કે ૧૮ જાન્યુઆરીએ ભારતમાં કોરોના વાયરસ માટે ૧૮,૬૯,૬૪૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ગઈકાલ સુધીમાં કુલ ૭૦૭,૨૮૧,૦૬૭ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે
(ન્યુઝ એજન્સી)