banaskantha GSRTC
રીપોર્ટ,તસ્વીર - જયંતી મેતીયા

બનાસકાંઠા એસ.ટી ડિવીઝનના ૧૭૩ રૂટોની બસ સેવા બંધ કરાઇ, ૬૫૦ શિડ્યુલ રદ કરાયા

 
બનાસકાંઠા જિલ્લામાં તાઉ તે વાવાઝોડાની તકેદારીના ભાગરૂપે બનાસકાંઠા એસ.ટી.ડિવિઝનના તમામ એસ.ટી રૂટો બંધ કરવામાં આવ્યાં છે. વાવાઝોડાની અસરને લઇ તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
અરબ સાગરમાંથી આવેલા તાઉ તે વાવાઝોડાની અસર ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વર્તાવા પામી છે. આ વાવાઝોડુ ગુજરાતમાં પણ આવી પહોંચતા અને તબાહી શરૂ કરી દેતા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૧૪ તાલુકાઓમાં વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા એસ.ટી ડીવીઝનના તમામ એસટી રૂટો પણ રદ કરવામાં આવ્યા છે. વાવાઝોડાની તકેદારીના ભાગરૂપે એસ.ટી ડિવિઝનના ૧૭૩ રૂટની બસ સેવા બંધ કરવામાં આવી છે. તેમાં ૧૭૩ રૂટોના ૬૫૦ શિડ્યુલ રદ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડા દરમિયાન મુસાફરી સમયે કોઈ જાનહાનિ ના થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને બીજી સૂચના ન આવે ત્યાં સુધી બસો બંધ રહેશે તેમ જણાવવામાં આવ્યુ છે.
 
Contribute Your Support by Sharing this News: