અડધા ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ લાગુ, નવી ગાઇડ લાઇન અંગે ઝડપથી જાણો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં એક જ દિવસમાં 25 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે. રોજિંદી રીતે કેસમાં 5000 ની આસપાસનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉછાળો કાબુમાં નહી આવી રહ્યો હોવાના કારણે સરકાર દ્વારા હવે ગાઇડલાઇન વધારે કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે. સરકાર દ્વારા વધારે કડક નિયંત્રણો લાવીને કાબુ મેળવવા માટે પ્રયાસ કરાઇ રહ્યો છે. SOP ની 22 મી તારીખે મુદ્દત પુર્ણ થઇ રહી છે. જેના કારણે આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક યોજાઇ હતી.

જો કે ગાઇડલાઇનમાં કોઇ મોટુ પરિવર્તન કરવામાં આવ્યું નથી. રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી  દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી  ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે. તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં  તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે.  ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે. આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણો ના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું આ સાથે સામેલ છે

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.