પાંજરાપોળમાં લાગેલા સીસીટીવી પર છાણ નાખીને પાડાઓની તસ્કરી કરી ગયા
વાવ પાંજરાપોળમાંથી 21 પાડાની ચોરી બાબતે વાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી
ગરવી તાકાત, વાવ તા. 14- વાવ તાલુકાનાં ઢીમા વાવ રોડ પર આવેલ શ્રી ઢીમા મહાજન ખોડા ઢોર પાંજરાપોળમાંથી ગુરુવારે રાત્રે દોઢ વાગ્યે પાંજરાપોળનાં પાછળનાં ગેટ તોડીને પાંચ પશુચોર તસ્કરો અંદર આવીને 21 પાડાઓની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સીસીટીવી કેમેરાના કુટેજના આધારે પાંજરાપોળ ટ્રસ્ટ અને ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતાં વાવ પોલીસે તપાસ હાથ ધરી છે. વાવ ખોડા ઢોર પાંજરાપોળમાંથી પણ 21 પાડાઓની ચોરી કરી હોવાનું વાવ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.
બનાસકાંઠા જીલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાંથી મૂંગા પશુઓની ચોરી કરીને કતલખાને મોકલતા હોવાની સ્થાનિક લોકોમાં રાવ ઉઠી છે ત્યારે પોલીસ દ્વારા સઘન તપાસ કરીને આવાં કસાઈઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે વાવ તાલુકાનાં ઢીમા પાંજરાપોળમાંથી થરાદ રોડ પર આવેલ પાંજરાપોળનાં પાછળનાં ગેટનાં સ્ક્રુ તોડીને કસાઈઓએ કેમ્પસમાં આવીને સીસીટીવી કેમેરા પર છાણ નાખીને ઢાંકી દેવામાં આવ્યો હતો અને કેમેરાને બંધ કરી ચોરોએ અંદર જતાં બીજા પાડાઓને રાસ વડે બાંધીને મુખ્ય ગેટ સુધી લઈ ગયા હતાં. તો વળી એક પાડાને ગેટ પર જ મૂકીને જતાં રહેતાં સંચાલન કરતાં મેનેજર અને ગોવાળ દ્વારા વહેલી સવારે ખબર પડતાં જ પાંજરાપોળનાં ટ્રસ્ટીઓને જાણ કરી હતી. આ બાબતે વાવ પોલીસને પશુ ચોર તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે નોંધનીય બાબત છે કે, પાંજરાપોળમાંથી 21 પાડાઓની પશુચોર તસ્કરો ચોરી કરી રહ્યા હતા ત્યારે પાંજરાપોળમાં સંચાલન કર્તા કે ચોકીદાર કે અન્ય પશુની સાર સંભાળ રાખનાર એવી તો કેવી ઊંઘમાં સુઇ ગયા હતા કે 21 પાડાઓને પાંજરાપોળમાંથી ચોરી કરી પશુચોર તસ્કરો આરામથી નીકળી ગયા હતા. શું પાડાઓનો અવાજ કે હલન ચલન તેજ નહી થઇ હોય કે આટલી મોટી સંખ્યામાં પાડાઓની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા. – તસવીર અહેવાલ ભરત ચૌધરી વાવ