પાકિસ્તાનની જેલમાંથી મુકત થયેલા 184 માછીમારોની વતન વાપસી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત વડોદરા : પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોના 1 સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. ચારેક વર્ષના અંતરાલ બાદ ગુજરાત પરત ફરેલા આ માછીમારોએ શ્ર્વાસમાં વતનની સુગંધનો દરિયો ભરી લીધો હતો. વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં મંત્રી રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માછીમારોએ કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કર્યો છે.

અરબી સમુદ્રમાં ભારતીય જળસિમામાં માછીમારી કરવા જતાં સાગરખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવે છે અને તેનાં પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે. ભારતીય જળ સિમામાંથી પકડાયેલા મોટા ભાગના માછીમારોને કરાંચી નજીક આવેલી લાટી જેલમાં રાખવામાં આવે. પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો.

ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોને પરિણામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરતા તેને સફળતા મળી હતી અને પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા 198 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના 184, આંધપ્રદેશના 3, દિવના 4, મહારાષ્ટ્રના 5 અને ઉત્તરપ્રદેશના 2 નો સમાવેશ થાય છે. ગુજરાતની 184 વ્યક્તિમાં ગિર સોમનાથ જિલ્લાના 152, દેવભૂમિ દ્વારકાના 22, જામનગર, જુનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના પાંચ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.

પકડાયેલા માછીમારોની ઓળખ પ્રસ્થાપિત કરીને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા રાજ્ય સરકાર મારફત વિદેશ મંત્રાલયને યાદી મોકલવામાં આવે છે. જેના આધારે એમ્બેસી મારફત તેના વેરિફિકેશન કરવામાં આવે છે. હવે, આ માછીમારો વાઘા બોર્ડર ઉપર આવે ત્યારે ફરી તેનું વેરિફિકેશન કરવામાં આવે છે. આટલું જ નહીં, તેના આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે. બાદમાં તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં છૂટેલા આ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા. તેમના માટે ખાસ 2 ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવી. આજે વહેલી સવારે રેલ્વે સ્ટેશન ખાતે મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત ધારાસભ્ય કેયુરભાઇ રોકડિયા, ચૈતન્યભાઇ દેસાઇ, અગ્રણી ડો. વિજયભાઇ શાહ, કલેક્ટર અતુલ ગોર, મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાન, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા દ્વારા માછીમારોનું હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. મુક્ત થયેલા સાગરખેડૂઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાદમાં તેમને નાસ્તો કરાવી ચાર ખાનગી બસો મારફત ગિરસોમનાથ તરફ રવાના કરવામાં આવ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.