આજથી ગુજરાતના વિવિધ નામાંકિત ધાર્મિક સ્થળોએથી ધર્મરથ કાઢવામાં આવ્યાં. જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવશે
ભાજપ મોવડી મંડળની સ્પષ્ટ વાત ગમે તેમ કરો પણ ક્ષત્રિય સમાજને મનાવો, મીટિંગો કરો, જમણવાર કરો, ગમે તે કરો પણ મનાવો
રાજકોટના આશાપુરા મંદિર- કચ્છના માતાજીના મઢ અને અંબાજી મંદિર સહિતના શક્તિપીઠોથી 14 ધર્મરથોનું પ્રસ્થાન કરાવતો ક્ષત્રિય સમાજ
ગરવી તાકાત, રાજકોટ તા. 24 – ભાજપે અત્યાર સુધી જે જે ક્ષત્રિયોને મોટા પદ આપીને બેસાડ્યા હતા. તે તમામ ક્ષત્રિય નેતાઓ જેમના વિરોધીઓએ ભાજપૂતનું નામ આપ્યું છે તે તમામ નેતાઓ હવે સમાજની સામે જ ભાજપે કામે લગાવ્યાં છે. સૂત્રોની માનીએ તો હવે ભાજપને સમાજની સામે સમાજના જ નેતાઓને મહોરા બનાવી ને ઉભા રાખી દીધાં છે. સ્પષ્ટ સુચના આપી દેવાઈ છેકે, પદ-પૈસા, પ્રતિષ્ઠા બધુ આપ્યું અત્યાર સુધી હવે ભાજપનું કરજ ચુકવવાનો સમય છે. ગમે તેમ કરીને ક્ષત્રિય સંકલન સમીતિ અને તેમના દ્વારા થઈ રહેલાં વિરોધ પ્રદર્શનોને રોકવાની જવાબદારી ભાજપે પોતાના ક્ષત્રિય નેતાઓને સોંપી દીધી છે.
ભાજપના ક્ષત્રિય નેતાઓની સ્થિતિ હાલ એવી છેકે, જાયે તો જાયે કહાં. એક તરફ સમાજ છે, તો બીજી તરફ રાજકીય પક્ષ અને કારકિર્દી. એવી પણ સમજાવટ કરવામાં આવી છેકે, ગમે તેમ કરીને આ વિવાદનો અંત લાવી ચૂંટણી પાર પાડવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવાઈ છે. ભાજપૂતો સમાજમાં દેખાડશે હવે પોતાનો પાવર. સંકલન સમિતી સામે હવે ભાજપના ક્ષત્રિય નેતાઓને ઉભા કરવામાં આવી રહ્યાં છે. ઉપરથી સ્પષ્ટ સુચના અપાઈ છે ગમે તેમ કરીને સમાજને મનાવો, મીટિંગો કરો કે જમણવાર કરો.
વિવાદ ઠંડો પાડવા ભાજપની કવાયતઃ – રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં માહોલ ડોહળાયો છે. રૂપાલા અને ભાજપના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી હાલ સૌથી કોઈ વધુ ચર્ચામાં હોય તો એ રાજકોટ લોકસભા બેઠક છે. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો આક્રોશ હજુ પણ યથાવત્ છે. એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધ માટે કાર્યક્રમોની રૂપરેખા ઘડી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ પોતાના ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરીને આ વિવાદને ટાઢો પાડવાના પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય આંદોલન પાર્ટ-2નો પ્રારંભઃ – ક્ષત્રિય આંદોલન સમિતિ દ્વારા આંદોલનના પાર્ટ 2ની જાહેરાત કરવામાં આવી હતી. આ આંદોલનને ક્ષત્રિય આગેવાનો દ્વારા ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ક્ષત્રિય મહિલાઓએ સોમવારથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. સાથે સાથે રાજકોટમાં 6 ક્ષત્રિયોના કાર્યાલય પણ ખુલ્લા મુકાયા હતા. આ સાથે જ એક બાદ એક ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિયોના કાર્યાલય ખુલ્લા મુકવામાં આવી રહ્યાં છે. 24 એપ્રિલ એટલેકે, આજથી ગુજરાતના વિવિધ નામાંકિત ધાર્મિક સ્થળોએથી ધર્મરથ કાઢવામાં આવ્યાં. જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવશે. તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. એટલે કે, ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરીને મતદારોને ભાજપના ઉમેદવારને મત ન આપવાની અપીલ કરશે.
બનાસકાંઠાના ભાભરમાં ભાજપના પ્રચારમાં કરાયો વિરોધઃ – રાજપૂત ક્ષત્રિય સમાજે બનાસકાંઠાના લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના કાર્યક્રમમાં કર્યો વિરોધ. ભાજપના કાર્યક્રમમાં જય ભવાનીના નારા લગાવવામાં આવ્યા. એટલું જ નહીં ક્ષત્રિય સમાજના યુવાનોના સૂત્રોચ્ચારથી સમગ્ર કાર્યક્રમમાં ભારે હોબાળો થયો. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા આ મામલામાં સૂત્રોચ્ચાર કરી રહેલાં 25થી વધુ યુવાનોની પોલીસે અટકાયત કરી. ભાજપનો કાર્યક્રમ પુરો થતા અટકાયત કરેલા યુવાનોને છોડી મુકવામાં આવ્યાં.