રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે વડોદરા કોર્પોરેશને આવાસના મકાનોના ડ્રો કર્યા હતા, જેમાં એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત બે કર્મચારીઓએ ડ્રો કરેલી લીસ્ટ જ બદલી નાખી નવેસરથી મકાન ફાળવણીની લીસ્ટ ઓનલાઇન મૂકી હોવાનો ઘટસ્ફોટ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. પાલિકાના સીટી એન્જિનિયરે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા પાલિકાએ 7 ઓગસ્ટે સયાજીરાવ નગર ગૃહમાં રાજ્યમંત્રી યોગેશ પટેલની હાજરીમાં વિવિધ આવાસ યોજનાના 382 મકાનોનો ડ્રો કરી લાભાર્થીઓને મકાન ફાળવણી કરવાનો ર્નિણય કર્યો, મકાન ફાળવણીના ડ્રો થયાના એક કલાક બાદ જ એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને એમ.આઈ.એસ એક્સપર્ટ નીશીત પીઠવાએ નવેસરથી ડ્રોની યાદી બનાવી 42 લાભાર્થીઓના નામ બદલી નવી યાદી ઓનલાઇન અપલોડ કરી હતી.
આ મામલે લાભાર્થીએ પાલિકામાં ફરિયાદ કરી. જેના આધારે પાલિકાના સીટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીને તપાસ સોંપાતા તેમની તપાસમાં ડ્રો કરેલી યાદીમાં 42 મકાનોના લાભાર્થીઓના નામ બદલી નવેસરથી બીજી યાદી અપલોડ કરી હોવાની માહિતી સામે આવી. જેથી સીટી એન્જિનિયરે કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને એમ.આઈ.એસ એક્સપર્ટ નીશીત પીઠવા સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. ફરિયાદ બાદ નવાપુરા પોલીસે બંને આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે પકડેલા બંને આરોપીઓએ મીડિયા સામે તેમને ફસાવ્યા હોવાની વાત કરી છે. કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ કહ્યું કે સીટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી તેમની કરતૂતો ઉજાગર ના થાય માટે તેમને ફસાવી રહ્યા છે, તો આરોપી નીશીત પીઠવા તેને યાદી બદલવા માટે આરોપી પ્રમોદ વસાવાએ દબાણ કર્યું હોવાની કહે છે.
આ પણ વાંચો – છાપી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઉપર ધોકાથી હુમલાનો પ્રયાસ – ભ્રષ્ટાચારની ફરિયાદ કરાતા થયો હુમલો !
મહત્વની વાત છે કે મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલો સામે આવતા તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા એમ.આઈ.એસ એક્સપર્ટ નીશીત પીઠવાને નોકરીમાંથી બરતરફ કર્યો છે. તો આરોપી કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવાને સસ્પેન્ડ કરવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. તો મેયર કેયુર રોકડીયાએ કહ્યું કે આરોપી પ્રમોદ વસાવાએ તેમના પર કોઈનું પ્રેશર હોવાની વાત તેમની સમક્ષ કરી છે.
પોલીસ તપાસમાં કોણ પ્રેશર આપતું હતું તે માહિતી સામે આવશે. તો પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવતે શાસકો અને ભાજપ નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા, જેમાં તેમને એક મકાન અપાવવા માટે એક લાખનો વહીવટ થતો હોવાનો આરોપ લગાવ્યો છે, સાથે જ ભાજપના નેતાઓના કહેવાથી મકાનો ફાળવાય છે, જેથી તેવોની પણ સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. અમી રાવતે સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસની માંગ પણ કરી છે.
મહત્વની વાત છે કે વડોદરા પાલિકા હંમેશા આવાસ યોજનાના મકાનોને લઈ વિવાદમાં રહે છે, ત્યારે પાલિકાના નાના અધિકારીઓ એકલા હાથે આટલો મોટો કાંડ કરી શકે તે બાબત શંકા ઉપજાવે છે. જેથી જાે પોલીસ તટસ્થ તપાસ કરે તો અન્ય અધિકારીઓ, રાજકીય નેતાઓ સહિત મોટા મોટા માથાઓના નામ સામે આવી શકે છે.