છાપી બન્યું યુપી મોડલ…?
સરપંચ સહિત અન્ય બે શખ્સોએ ધોકા લઈ આવી ધમકી આપી હોવાની ફરિયાદથી ખળભળાટ
છાપી પંચાયતના ડેપ્યુટી સરપંચે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અરજી કરતા પંચાયતના સરપંચ સહિત બે લોકો ધોકા લઈ આવી હોટલ પર આવીને ડેપ્યુટી સરપંચ પર હુમલો કરવા આવ્યા હોવાની અને તેમને પોલીસ રક્ષણ પુરૂ પાડવામાં આવે તેવી માંગ સાથે ફરિયાદ નોંધાવી છે.
વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતમાં પંચાયતના જ ડેપ્યુટી સરપંચ ફજલુ રહેમાન નેદરીયાએ પંચાયત દ્વારા થતા ગેરકાયદેસર કામોના વિરુદ્ધમાં લાગું પડતા તમામ વિભાગોમાં લેખિત અરજીઓ કરેલ હતી. તેમજ છાપીથી છાપી હાઈવે જવાનાં રસ્તા પર આવેલ ઔધોગિક વસાહત જે ઘણાં સમયથી વિવાદમાં છે. તેના બાબતે પણ લેખિત અરજીઓ કરેલ હતી. જેનો તંત્ર દ્વારા મનાઈ હુકમ આવેલ હોવા છતાં જવાબદાર લોકો દ્વારા આ મનાઈ હુકમને ઘોળીને પી જઈ મનફાવે તેમ સરકારી સંપત્તિનો ઉપયોગ કરતાં હોય, આ બાબતે કોઈ કાર્યવાહી થતી નથી. જે બાબતે અરજદારે બનાસકાંઠા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, તથા અમદાવાદ એ.સી.બી ઓફીસે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરેલ હતી.
છાપી ગામના જ વિજય ચૌધરી તેમજ હરેશ પટેલ તથા છાપી સરપંચ ભરત ચૌધરી દ્વારા આજે છાપી ખાતે એક હોટલમાં ધોકાઓ લઈ અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. તેમજ આગામી સમયમાં અરજદાર પર કોઈ અજુગતો બનાવ કે હુમલો થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે તેમ અરજદારે જણાવ્યું હતુ.