— કડીના કરણનગર રોડ ઉપર ની સોમનાથ સોસાયટીનો બનાવ :
— ઈજાગ્રસ્ત ને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા :
— કડી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી :
ગરવી તાકાત મહેસાણા : કડીના કરણનગર રોડ ઉપર આવેલી સોમનાથ સોસાયટીમાં એક્ટિવા સાઈડમાં લેવા નું કહેતા એક્સ આર્મી મેન નો પિત્તો છટક્યો હતો અને એક્સ આર્મી મેન ઉશ્કેરાઈ જઈ પડોશી ઉપર પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર થી ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે.ઘટના ની માહિતી મળતાં કડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કડી શહેરના મીની શિકાગો કહેવાતા કરણનગર રોડ વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં નજીવી બાબતમાં થયેલ ફાયરીંગ ની ઘટના થી સમગ્ર શહેર હલબલી ઉઠ્યું છે.સોમનાથ સોસાયટીમાં રહેતા ભગવાનભાઈ જગદીશભાઈ શર્મા ઉં.વર્ષ 35 પોતાના પરિવાર સાથે રહે છે.ભગવાનભાઈ પોતાના ઘેર હાજર હતા ત્યારે તેમના ભાઈ ગોપાલભાઈ પોતાની વેગન આર ગાડી લઈ સાંતેજ ખાતે આવેલ વીર પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરી સાડા નવ વાગે ઘેર આવ્યા હતા.ગોપાલભાઈ ઘેર આવ્યા ત્યારે ગાડી પાર્ક કરવાની જગ્યાએ તેમની સામે રહેતા એક્સ આર્મીમેન સૂર્યકાંત ભાઈ નું એક્ટિવા પડ્યું હોઈ તેમણે સૂર્યકાંત ભાઈને એક્ટિવા સાઈડમાં લેવા જણાવી પોતાની ગાડી પાર્ક કરવા કહ્યું હતું
જેથી સૂર્યકાંત ભાઈ ઉશ્કેરાઈ જઈ ગોપાલભાઇ સાથે ગાળાગાળી કરી હુમલો કરતા ઘરમાં રહેલા ભગવાન ભાઈ તેમને છોડાવવા વચ્ચે પડતાં એક્સ આર્મી મેન સૂર્યકાંત ભાઈ એ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર થી ભગવાનભાઈ ના પેટમાં ગોળી ધરબી દેતા સોસાયટીના રહીશોએ તાત્કાલીક ભગવાનભાઈ ને કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હુમલાખોર એક્સ આર્મી મેન ને આજુબાજુ ના રહીશોએ ભેગા થઈ પકડીને કડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં કડી પોલીસે હુમલાખોર ઈજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે દાખલ કર્યો હતો.કડી પીઆઇ ડી બી ગોસ્વામી એ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ ની મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી