— સતત સાત દિવસ મહાકાળી માતાજીના સાંનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાયા :
ગરવી તાકાત પાટણ : સરસ્વતી તાલુકાના દેલવાડા ગામે ચૈત્ર મહિનાની પૂનમના દિવસથી સતત સાત દિવસ મહાકાળી માતાજીના સાંનિધ્યમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ભવાઈ રમવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્ષોથી આદી આઝાદીથી મહાકાળી માતાજીની ભવાઈ રમાય છે. જેમાં મહાકાળી માતા, રાનવઘણ, રાણકદેવી, રા.ખેંગાર, કાદુ મકરાણી, જાદુનો ખેલ, મહાકાળી માતાજીનો ગરબો જેવા પાત્ર ભજવીને ખેલ ભજવવામાં આવ્યાં હતા.
જેમાં કુકશાનું પાત્ર ગામના વડીલ આગેવાન મોઘજીજી સરદારજી ઠાકોર ભજવે છે. તેઓએ જણાવ્યું હતું કે દેલવાડા ગામે વર્ષોથી મહાકાળી માતાજી ની ભવાઈ રમાય છે. માતાજીની સાત દિવસ સુધી આરાધના કરી ભવાઇ રમવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં મહાકાળી યુવક મંડળ અને સમગ્ર ગ્રામજનો ભેગા મળી અલગ અલગ પાત્ર ભજવવામાં આવે છે.
છેલ્લા દિવસની રાત્રે મહાકાળી માતાજીનો ગરબો ઉપાડીને લોકોને દર્શન કરાવીને ભવાઇની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દેલવાડા ગામના અને અમદાવાદ ખાતે રહેતા મહેશજી ઠાકોર અમદાવાદથી સંઘ લઈને દર વર્ષે ચૈત્ર મહિનામાં આવે છે. અને તેઓ જાદુગરનો ભાગ ભજવે છે.
ભાવસંગ ઠાકોરે જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોનાની મહામારીમાં દેલવાડા ગામમાં માતાજીની કૃપાથી કોઈ કેસ આવ્યો ન હતો અને ગયા વર્ષે કોરોનાના કારણે ભવાઈનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને આ વર્ષે માતાજીની ભવાઈનો કાર્યક્રમ કરીને લોકોને માતાજીના દર્શન કરાવવામાં આવ્યા હતા.
લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મહાકાળી મંડળના યુવકો ભાવસંગજી ઠાકોર, બચુજી ઠાકોર, અલ્પેશ ઠાકોર, વિજુજી ઠાકોર, પિન્ટુ ઠાકોર, મુકેશજી ઠાકોર સહિત સમગ્ર ગ્રામજનો ભવાઈના કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — પાટણ