જેલમાં બંધ બે આરોપીઓ વિસનગર સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામન અરજી મુકી હતી
આ કેસમાં પોલીસ પકડથી નાસતાં ફરતાં બે આરોપીઓએ આગોતરા અરજી મુકી હતી
ગરવી તાકાત, વિસનગર તા. 05 – ખેરાલુમાં નીકળેલી ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારા મામલે વિસનગર સેશન્સ કોર્ટમાં જેલમાં બંધ બે આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી મુકી હતી. તથા આ કેસમાં નાસતાં ફરતાં બે આરોપીઓએ પણ વિસનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જે મામલે સરકારી વકીલ વિજય બારોટની ધારદાર દલીલોને ધ્યાને લેતાં કોર્ટે તમામ ચારની રેગ્યુલર અને આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર દેશમાં રામની રથયાત્રા રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ ભગવાન શ્રી રામની રથયાત્રા જયશ્રી રામના શંખનાદ સાથે નીકળી હતી. આ દરમિયાન ખેરાલુના બહેલીમ વિસ્તારમાંથી આ રથયાત્રા પસાર થઇ રહી હતી તે દરમિયાન કેટલાક લઘુમતિ કોમના અસામાજિક તત્વો દ્વારા ધાબા પરથી રથયાત્રા પર પથ્થરમારો કરવામાં આવતાં નાસભાગ મચી જવા પામી હતી. જે પથ્થરમારાની જાણ મહેસાણા જિલ્લા પોલીસતંત્રને થતાં પોલીસના ધાડેધાડા ખેરાલુમાં ઉતારી દીધા હતા અને પથ્થરમારો કરનાર મહિલાઓ સહિતની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 32 વિરુદ્ધ નામજોગ ખેરાલુમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે મોટાભાગના તમામની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અમુક લોકો પોલીસ પકડથી નાસતાં ફરતાં હતા.
ખેરાલુના પથ્થરમારાની આ ઘટના મામલે જેલમાં બંધ મહમદ હુસેન કરીમખાન બહેલીમ, નજીર મહમદ અસદખાન બહેલીમે વિસનગર સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જે રેગ્યુલર જામીન અરજી મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજય બારોટની દલીલોને કારણે કોર્ટે ફગાવી દીધી હતી. જ્યારે આ કેસમાં પોલીસ પકડથી નાસતાં ફરતાં બે આરોપીએ ટીની બીબી બહેલીમ તથા મહમદ હુસેન ઉર્ફે કામિલ બહેલીમ પણ આગોતરા જામીન અરજી કરી હતી જે અરજી પણ વિજય બારોટની દલીલોને ધ્યાને લેતાં ફગાવી દેવામાં આવી હતી.