બહુચરાજી તાલુકાના ચાંદણકી ગામના એક પણ ઘરમાં જમવા માટે ચૂલો સળગતો નથી
ગામમાં મોટાભાગે તમામ યુવાનો બહાર રહે છે વૃદ્ધોની સંખ્યા ચાંદણકી ગામમાં વધુ
તમામ વૃદ્ધ વડીલો તથા માતાઓ સાથે મળીને એક જ જગ્યા પર સવાર સાંજ ભોજન કરે છે
ગરવી તાકાત, બહુચરાજી તા. 29 – મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલાં ચાંદણકી ગામની. ચાંદણકી ગામે અનોખું દ્રશ્ય જોવા મળે છે. કારણકે, આજના કોસ્મોપોલિટન કલ્ચરમાં એક તરફ પોતાના ઘરમાં જ બે ભાઈઓ સંપીને રહી નથી શકતા. એક સાથે જમવા બેસવાની તો વાત જ ક્યાંથી આવે. એક સાથે બેસીને જમવું એ પણ એક લાહવો છે. સામાન્ય રીતે સામૂહિક ભોજન કોઈ પ્રસંગમાં હોય છે. પણ અહીં તો સવાર સાંજ એક ગામના તમામ લોકો એક બીજાને મળીને એક જ સ્થળ પર એક સાથે બેસીને ભોજનનો લાભ લેતા હોય છે.
મહેસાણાના જિલ્લામાં આવેલું ચાંદણકી ગામ ખરેખર એક અનોખું ઉદાહરણ પુરુ પાડે છે. અહીં બપોરે અને સાંજ બે ટાઈમ ગામના તમામ લોકો સાથે બેસીને સામુહિક ભોજન કરે છે. સામૂહિક ભોજન માટે પહેલાંથી જ સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. ગામની દરેક વ્યક્તિએ નક્કી કરાયેલાં સમયનું ધ્યાન રાખવાનું હોય છે. નક્કી કરાયેલાં સમય મુજબ બધા લોકો એકજૂથ થઈને ભોજન લે છે.
ચાંદણકી ગામમાં કુલ 150 કરતાં વધુ પરિવારો વસવાટ કરે છે. એક અંદાજ મુજબ ચાંદણકી ગામની કુલ વસ્તી 11000 જેટલી કરે છે. ધંધા રોજગારને કારણે ગામના મોટાભાગના યુવાઓ બહાર રહે છે. તેથી તેમના માતા-પિતા એક મેકને મળીને ભોજન કરતા હોય છે. રોજગાર ધંધાને કારણે ઘરના મોટાભાગના સભ્યો તો બહાર રહી રહ્યાં છે. ગામમાં હાલ અંદાજે 100 જેટલાં જ વડીલો રહે છે. જે ખેતીના આધારે પોતાનું ગુજરાન ચલાવે છે. આવા સમયે જમવાની કોઈ તકલીફ ન પડે અને આખુ ગામ એક સાથે મળી જમે તે માટે સામૂહિક રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગામના દરેક લોકો બપોર અને સાંજ એમ બન્ને ટાઈમનું ભોજન એક સાથે લે છે. અને જો ગામમાં કોઈ મહેમાન આવે તો પણ તેનું જમાવાનું ગામના જ રસોડામાં થાય છે. આ ભોજનમાં સૌ પ્રથમ મહિલાઓ ભોજન લે છે અને બાદમાં પુરુષો જમે છે. બહુચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી એક એવું ગામ છેકે, જ્યાં ગામ વચ્ચે એક સામૂહિક ભોજનાલય તૈયાર કરાયું છે. વાર તહેવારો આ ગામમાં બહાર ગામથી લોકો આવતા હોય છે. જોકે, તેમણે પણ ઘરના બદલે આ સામૂહિક ભોજનાલયમાં એક સાથે જમવું પડે છે. ગામના કોઈ પણ ઘરમાં ચૂલો સળગતો નથી. જોકે ગામના દરેક લોકો ને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન મળે તે માટે ગામના સરપંચ અને યુવાનો એ એક ખાસ કમિટી બનાવી છે અને આ કમિટી તમામ સુવિધા પૂરી પાડે છે. ગામના પાદરમાં જ એક આધુનિક ભોજનલય તૈયાર કર્યું છે જેમાં તમામ પ્રકાર ની સુવિધા પૂરી કરવામાં આવી છે
છેલ્લા 12-13 વર્ષ થી આજ રીતે ચાંદણકી ગામ લોકો રોજ સામૂહિક ભોજન લઈ રહ્યા છે. જોકે બદલતા સમયમાં એક તરફ પરિવારમાં વિભાજન થઈ રહયા છે ત્યારે બીજી તરફ આ ગામના દરેક લોકો એક પરિવારની માફક રહી અન્ય ગામોને, શહેરોને, ખાસ કરીને સંયુક્ત કુંટુંબમાં રહેતા લોકોને ખુબ સારી પ્રેરણા આપી રહ્યું છે. આ ગામ ખરેખર સંયુક્ત કુટુંબમાં રહેવા લોકોને પ્રેરિત કરે છે.