— બજેટલક્ષી સાધારણ સભામાં સત્તાધારી પક્ષે મંજુર મંજુર કરી ઠરાવ શરૂ કરી દેતા વિપક્ષ નેતાનો પિત્તો ગયો :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર નગરપાલિકામાં આજે યોજાયેલ બજેટલક્ષી સાધારણ સભામાં દર વખતની જેમ સત્તાધારી પક્ષે મંજુર મંજુર કરી ઠરાવ કરવાનું શરૂ કરી દેતા વિપક્ષ નેતા અંકિતા પઢીયારનો પિત્તો ગયો અને ચાલુ સભામાં જ હંગામો કરી પ્રમુખની સાડી ખેંચી લીધી અને ઉપપ્રમુખને તો છાતીમાંથી પકડી લેતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને ચાલુ સભામાં તૂ..તૂ.. મેં.. મેં..ના દ્રશ્યો સર્જાયાં હતાં.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં દર વખતે યોજાતી સાધારણ સભામાં ભાજપ સદસ્યો દ્વારા બહુમતીના જોરે મોટા ભાગના ઠરાવો પસાર કરી ગણતરીની મિનિટોમાં જ સભા આટોપી દેવામાં આવતી હોય છે. વિપક્ષના સદસ્યો વિરોધ કરતા રહે છે અને સત્તાધારી પક્ષ બહુમતીના જોરે ઠરાવ પસાર કરી સભા પૂર્ણ જાહેર કરી દેતી હોય છે. આજે પણ નગરપાલિકા કચેરીના હોલ ખાતે નગરપાલિકાની સામાન્ય સાધારણ સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગત ૩૧ જાન્યુઆરી અને ૨૫ ફેબ્રુઆરીના રોજ મળેલી સાધારણ સામાન્ય સભાની કાર્યવાહી તેમજ ઠરાવોને બહાલી આપવા અને પાલનપુર નગર પાલિકાના વર્ષ ૨૦૨૨-૨૩ ના આવકનું તેમજ ખર્ચનું અંદાજપત્ર વંચાણે લઇ નિર્ણય કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં દર વખતની જેમ નગરપાલિકાના સત્તાધારી પક્ષે બહુમતીના જોરે મંજુર. મંજુર..કહી ઠરાવ પસાર કરવાની શરૂઆત કરતા વિપક્ષનેતા અંકિત પઢીયારનો પિત્તો ગયો હતો
અને ચાલુ સભામાં જ ટેબલ પર મૂકેલ માઇકને પછાડી અને પ્રમુખ હેતલબેન રાવલની સાડી ખેંચવા લાગ્યા હતા અને તે વખતે ઉપ પ્રમુખ હસમુખ પઢીયાર વચ્ચે પડતાં અંકિતાબેન પઢીયારે તેમને પણ છાતીમાંથી પકડી લીધાં હતાં જેને પગલે સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. આમ પાલનપુર નગરપાલિકા ખાતે મળેલી આજની સાધારણ સભામાં હંગામો મચી જતાં તરત જ સભા પૂર્ણ થઈ જવા પામી હતી.
— સભામાં તૂ..તૂ..મે..મે.. ના દ્રશ્યો સર્જાયા :
નગરપાલિકાની સાધારણ સભામાં શરૂ થતાની સાથે જ સત્તાધારી પક્ષે બહુમતીના જોરે મં જુર મંજુર કહી ઠરાવ પસાર કરવાની શરૂઆત કરતા જ વિપક્ષ નેતા ક્રોધે ભરાયા હતા અને નગરપાલિકાના પ્રમુખની સામે જઈ હોબાળો કરવા લાગતા સભામાં તું. તું. મેં..મેં..ના દ્રશ્યો સર્જાયાં હતાં ત્યારબાદ મામલો વધુ બિચક્યો અને વાત ઉપપ્રમુખને બાથે થવા સુધી પહોંચી ગઇ હતી.
— વિપક્ષ નેતાએ સભામાં નકલી નોટો ઉછાળી :
નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ નેતાએ ઉપપ્રમુખ ઉપર નકલી નોટો ઉછાળી અને તમારે માત્ર આની જ જરૂર છે. જેથી તમે અમારી વાત સાંભળતા નથી અને મંજુર ..મંજુર કરો છો તેમ કહી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જો કે બાદમાં પ્રમુખે પણ આ રીતે ના કરવા જણાવતા મામલો વધુ બિચક્યો હતો.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર