garvi takat 02 જૈવ વૈવિધ્યતા માટે પ્રતિષ્ઠિત ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈની શોભામાં હવે વધુ એક નવી ઓળખ ઉમેરાઈ છે !
જંગલની જૈવ વૈવિધ્યતા માટે પહેલેથી જાણીતા ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈની શોભામાં હવે વધુ એક નવી ઓળખ ઉમેરાઈ છે. પોતાના પીએચડી સંશોધનના ભાગરૂપે ગણપત યુનિવર્સિટીની સાયન્સ કોલેજની વિદ્યાર્થીની મિલી શાહ તેમજ તેની સાથે અભ્યાસ – સંશોધનમાં જોડાયેલી વિદ્યાર્થીનીઓ દ્વારા વઘઈના જંગલમાં કરવામાં આવેલા શોધ અભિયાન દરમિયાન એક નવી પ્રજાતિની મશરૂમ જોવા મળી છે, જેનું વૈજ્ઞાનિક નામ Xylaria polymorpha છે અને
” ડૅડમેન ફિંગર્સ ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
સમગ્ર ભારતમાં આ મશરૂમ અત્યાર સુધીમાં માત્ર મેઘાલય રાજ્યમાં જ નોંધાયેલી છે જ્યારે ગુજરાતમાં આ મશરૂમ પ્રથમ વાર શોધી કાઢવામાં આવી છે.
સામાન્ય રીતે આ મશરૂમનો રંગ ગાઢ ભૂખરો હોય છે અને તેની ઊંચાઈ 10 થી 30 સે. મી. કે તેથી પણ વધુ હોઈ શકે છે. આ મશરૂમ તેના પોષણ માટે મૃત વૃક્ષના ભાગો પર નિર્ભર હોય છે. આ પ્રકારના જીવ “સાપ્રોફાઇટિક” તરીકે ઓળખવામાં આવે છે. ઝેરી હોવાની શક્યતા હોય આ મશરૂમને આહારમાં ખાવા યોગ્ય નથી ગણવામાં આવતું. તેમ છતાં, તેમાં ઔષધીય ગુણધર્મો હોવાની શક્યતા છે . અન્ય આંતરરાષ્ટ્રીય સંશોધનમાં, તે સ્તનપાન કરાવતી માતાઓમાં દૂધનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ થતું હોવાનો ગુણધર્મ ધરાવતું જોવા મળ્યું છે.
ગુજરાતના જંગલના પ્રકૃતિપ્રેમીઓ અને વૈજ્ઞાનિક-સમાજ માટે આ મશરૂમ સંશોધન અર્થે વિશેષ રસપ્રદ વિષય બની શકે છે, જેથી આ મશરૂમના વિવિધ ઔષધીય ગુણધર્મોની ઓળખ થઈ શકે. આ શોધખોળ અભિયાન દરમિયાન 50થી વધુ વિવિધ પ્રકારના મશરૂમ મળી આવ્યા છે જેમ કે Pleurotus, Agricus, Tremetomyces વગેરે… જેમાંથી ૧૫થી ૨૦ જેટલી મશરૂમ ખાવા યોગ્ય હોય છે તો કેટલીક ઝેરી છે. આ અભ્યાસ દરમિયાન વિવિધ મશરૂમની શોધખોળ અને ઓળખ માટે મૂળ રહેવાસીઓની તેમજ જંગલ ખાતાની મદદ લેવામાં આવી હતી.
હાલમાં મિલી શાહ ગણપત યુનિવર્સિટીની મહેસાણા અર્બન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સિસ ખાતે માઇક્રોબાયોલોજી વિષયમાં ડોક્ટર હાર્દિક શાહના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહી છે અને મશરૂમને લગતા વિષયમાં સંશોધન કરવામાં અત્યંત રસ ધરાવે છે. આ વિદ્યાર્થીની દ્વારા અત્યાર સુધીમાં થયેલા સંશોધન દરમિયાન ઘણી પ્રજાતિઓના મશરૂમ ઉછેરવા અંગે તેમજ ખાવા લાયક મશરૂમનો ઉપયોગ કરી વિવિધ પ્રોડક્ટ બનાવવા અંગે સઘન અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ સાથે ગણપત યુનિવર્સિટીની લેબોરેટરી ખાતે વિશેષ મશરૂમની મેડિસિનલ, ન્યુટ્રીશનલ અને ન્યુટ્રાસ્યુટીકલ પ્રોપર્ટીને લગતા સંશોધન પણ હાથ ધરવામાં આવ્યા છે.