ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં નજીક આવતાં જ રાજકીય માહોલ ગર્માયો છે. જેમાં કોગ્રેસ દ્વારા હમણા જ પ્રદેશ અધ્યક્ષ તથા વિરોધપક્ષના નેતાની વરણી કરવામાં આવતાં પાર્ટીમાં નવો પ્રાણ ફુંકાવાની આશા જાગી હતી, એવામાં તેમના જુના નેતા સાગર રાયકાએ પાર્ટીને અલવીદા કહી ભાજપમાં જોડાયા છે. જેમાં તેમને કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા 46 વર્ષથી જોડાયેલ નેતા સાગર રાયકાએ અચાનક પાર્ટી છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો છે. જેમાં તેમને દિલ્હીના કાર્યાલય પર વિનોદ ચાવડાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અહીયાં કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. તેમને કહ્યુ હતુ કે, કોંગ્રેસમાં નેતૃત્વનુ ક્રાઈસીસ છે, કોંગ્રેસમાં પાર્ટીના બંધારણની વિરૂધ્ધ કામ થઈ રહ્યુ છે. પાર્ટીનો જનતા સાથે સંપર્ક તુટી ગયો છે. જેથી મને હવે લાગ્યુ કે કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારનુ ભવીષ્ય નથી. જેથી તેમને દેશના વિકાસમાં યોગદાન આપવા તથા દેશહિતમાં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાગર રાયકા કોંગ્રેસ તરફથી વર્ષ 1986-1988 દરમ્યાન રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. સાગર રાયકા રબારી સમાજમાં મજબુત પક્કડ ધરાવે છે. પરંપરાગત રીતે માલધારી/રબારી સમાજનો એક મોટો વર્ગ કોંગ્રેસને સમર્પીત રહ્યો છે. પરંતુ હવે સાગર રાયકાએ ભાજપનો ભગવો ધારણ કર્યો હોવાથી આગામી ચુુંટણીમાં વોટીંગ પેટર્નમાં પરિવર્તન જોવા મળી શકે છે.