પોતાના પુસ્તક ‘વ્હાય આઇ એમ એ હિંદુ ના માધ્યમથી વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશિ થરુરે હિંદુ ધર્મ અને હિંદુત્વમાં વિભેદ પેદા કરવાની રાજનીતિની શરૂઆત કરી હતી. બાદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પોતાના નવા પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યા’માં હિંદુત્વની તુલના કુખ્યાત આતંકવાદી સંગઠનો આઇએસઆઇ અને બોકો હરામ જેવું ગણાવ્યું હતું. ત્યારબાદ શશિ થરુરે પોતાના એક પુસ્તક ‘પ્રાઇડ, પ્રેજ્યુડિસ એન્ડ પંડિટરી ધ અસેંશિયલ શશિ થરૂર’ના વિમોચન પર હિંદુ ધર્મ અને હિંદુત્વ વચ્ચે અંતર હોવાનું જણાવ્યું. આ અકારણ જ નથી કે હિંદુ ધર્મ અને હિંદુત્વને અલગ-અલગ ગણાવવાના આ અભિયાનમાં રાહુલ ગાંધી કરતાં પહેલાં પી.ચિદમ્બરમ, દિગ્વિજય સિંહ, પવન ખેડા અને મણિશંકર અય્યર જેવા તમામ નેતાઓ પણ કૂદી પડ્યા.
રાહુલ ગાંધીએ પણ હાલમાં જ મોંઘવારી મુદ્દે નીકળેલી રેલીમાં હિંદુ અને હિંદુત્વ અલગ હોવાનું જ્ઞાન પીરસ્યું. તેઓ કહે છે કે ‘હું હિંદુ છું, હિંદુત્વવાદી નહીં.’ હિંદુત્વ વિરુદ્ઘ યોજનાબદ્ઘ રીતે ચલાવાઈ રહેલા આ અભિયાનને હળવાશથી ન લેવું જાેઇએ. કોંગ્રેસના આ નેતાઓએ પશ્ચિમતરફી લેખકોને હવે રાષ્ટ્રવાદીની સાથે જ હિંદુત્વવાદી શબ્દ પર પણ બોલવા અને લખવાનો અવસર આપી દીધો છે. જ્યારથી દેશે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપતાં પોતાની તૈયારી વધારી દીધી છે ત્યારથી એક ખાસ સમૂહ ભારતને બદનામ કરવા તત્પર છે. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, ગલવાન ઘાટીની ઘટનાથી વિશ્વમાં ભારતની જે છબિ બની છે, તે તેમને સ્વીકાર્ય નથી. ભારતની બહાર ૧૮મી સદીના અંતિમ ચરણથી લઈને 19મી સદીના મધ્ય સુધી રાષ્ટ્રવાદ માનવવાદી અને લોકતંત્રવાદી વિચારોથી સંપ્રેષિત હતો, પરંતુ ગત સવા સો વર્ષમાં રાષ્ટ્રવાદ અસહિષ્ણુતા, કટ્ટરતા, નસ્લવાદ, અલ્પસંખ્યકોના ઉત્પીડન, સામ્રાજ્યવાદ અને આક્રમણો સાથે જાેડાઈ ગયો છે. અખિલ જર્મનવાદ, ઝારવાદી સામ્રાજ્યવાદ, જાપાની સૈન્યવાદ, ફાસીવાદ અને હવે સામ્યવાદી સામ્રાજ્યવાદ તેનાં પ્રમાણ છે. ૧૯મી સદીના યૂરોપમાં રાષ્ટ્રવાદ પર વ્યાપક ચર્ચા થઈ, જેમાં માનવતાવાદી રાષ્ટ્રવાદ, નસ્લવાદી રાષ્ટ્રવાદ, ક્ષેત્રીય રાષ્ટ્રવાદ, બંધારણીય રાષ્ટ્રવાદ, ઉદારવાદી રાષ્ટ્રવાદ, આધ્યાત્મિક રાષ્ટ્રવાદ અને લોકતાંત્રિક રાષ્ટ્રવાદ વગેરે વ્યાખ્યાઓનો ઉદ્ભવ થયો. જાે ઉપરોક્ત વ્યાખ્યાઓનું વર્ગીકરણ કરવામાં આવે તો મુખ્યત્વે બે જ રાષ્ટ્રવાદ હોય છે – આક્રમક અને ઉદાર.
ભારતીય રાષ્ટ્રવાદની અવધારણા મૌલિક છે, જ્યારે પશ્ચિમી રાષ્ટ્રવાદ પ્રતિક્રિયાની ઉપજ છે. ભારતના મૌલિક અને પ્રાકૃતિક રાષ્ટ્રવાદને જ હિંદુ રાષ્ટ્રવાદ કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કહેવામાં આવ્યો. પશ્ચિમમાં રાષ્ટ્રની અવધારણા ગત બે-ત્રણ શતાબ્દીમાં ચર્ચિત થઈ છે. ભારત એક પ્રાચીન રાષ્ટ્ર છે. ભૂમિ, જન અને સંસ્કૃતિના જાેડાણથી તે રાષ્ટ્ર બન્યું છે. સંસ્કૃતિ રાષ્ટ્રનું શરીર, ચેતના આત્મા અને વિરાટ તેના પ્રાણ છે. ધર્મ-અર્થ-કામ-મોક્ષના આધાર પર અહીં એક શ્રેષ્ઠ જીવન પદ્ઘતિ વિકસિત થઈ છે. રાષ્ટ્રની સંસ્કૃતિ ધર્મ પર આધારિત છે. પ્રિયંકા ગાંધી વાઢેરા દ્વારા કહેવામાં આવેલા ‘હું દેશભક્ત છું, રાષ્ટ્રવાદી નહીં’ શબ્દોને પકડીને પશ્ચિમના પિઠ્ઠુ અંગ્રેજી લેખકોએ ‘પેટ્રિયટિઝમ વિરુદ્ઘ નેશનલિઝમ’ની ચર્ચા છેડી. આ લેખકો પોતાની લખાવટમાં ભારતની રાષ્ટ્રની અવધારણા અને તેના રાષ્ટ્રપ્રેમ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી રહ્યા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનાં પરિણામ તેમને ‘ઉગ્ર-અંધ-ઝેરી’ રાષ્ટ્રવાદનો વિજય લાગે છે. તેને હિટલરના રાષ્ટ્રવાદ સાથે જાેડવામાં આવે છે. જૂન 2019માં એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહક ડો.મનમોહન વૈદ્યે કહ્યું કે રાષ્ટ્રવાદ નહીં ‘રાષ્ટ્રીય’ ભારતીય શબ્દ છે. ફેબ્રુઆરી 2020માં સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતે પોતાના એક સંબોધનમાં આગ્રહ કર્યો કે રાષ્ટ્રવાદ નહીં, રાષ્ટ્રીય કહો, પરંતુ પ્રચલનમાં રાષ્ટ્રવાદ શબ્દ ચાલી નીકળ્યો છે. તેથી રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ‘એકાત્મ માનવતા’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે બાદમાં એકાત્મ માનવવાદના નામે પ્રચલનમાં આવ્યો. તેમણે ‘માનવવાદ’ શબ્દનો ઉપયોગ આજના પાશ્ચાત્ય અર્થમાં નહોતો કર્યો. તેઓ પણ પશ્ચિમના ‘વાદ/ઇઝમ’ને સ્વયંકેન્દ્રિત અને ઈશ્વર વિરોધી માનતા હતા.
(ન્યુઝ એજન્સી)