રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ યોજાશે
ગરવી તાકાત. મહેસાણા – તા.-3
વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’ના નિર્માણ માટે ચૌધરીસમાજના દાતાશ્રીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂ.૨૦૦ કરોડથી વધુ દાન જાહેર થયું.
વિશ્વના ‘આંજણા’ (ચૌધરી-પટેલ) સમાજના સર્વાંગી વિકાસના કેન્દ્રબિંદુ એવા ‘આંજણા ધામ’નો આગામી તા. ૦૫મી જાન્યુઆરી ૨૦૨૫ રવિવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સવારે ૦૯.૦૦ કલાકે શિલાન્યાસ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાશે. આ પ્રસંગે શિકારપૂરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી દયારામજી મહારાજ આશીર્વચન આપશે. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને દાતા શ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે.
આંજણા ધામના મુખ્ય દાતા અને પ્રમુખ શ્રી મણીલાલ ચૌધરી અને મહામંત્રીશ્રી અમિતભાઇ ચૌધરીએ જણાવાયું હતું કે, ગાંધીનગરના જમિયતપુરા ખાતે સંસ્કાર, શિક્ષણ અને સેવા સંકલ્પ સાથે ૨૨૦૦૦ થી વધુ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’ માટે ચૌધરી સમાજના દાતાશ્રીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂ. ૨૦૦ કરોડથી વધુનું માતબર રકમનું દાન જાહેર કરવામાં આવ્યું છે. સમાજના દાતાશ્રીઓ દ્વારા આ ભગીરથ કાર્ય માટે અવિરત દાન આવી રહ્યું છે.
દાતાશ્રીઓ અને સમાજના સહકારથી ગાંધીનગર ખાતે વિશ્વના આંજણા સમાજની પ્રગતિ સમાન અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક કેન્દ્ર તૈયાર કરવાનો સંકલ્પ નક્કી કર્યો છે જેનો રવિવારે શિલાન્યાસ કરીને આ સંકલ્પને પરિપૂર્ણ કરવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરાશે. જે સમાજ માટે ગૌરવ સમાન છે.
આ સંસ્થામાં UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા-વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ,
કુમાર-કન્યા છાત્રાલય, એન.આર.આઈ- સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ કાર્યાલય, હેલ્થ કેર યુનિટ- વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ-યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
આંજણા ધામની વિશેષતાઓ અંગે પ્રમુખ અને મહામંત્રીશ્રીએ વિગતો આપતાં કહ્યું હતું કે, શેરથા ટોલ નાકા, જમિયતપુરા, ગાંધીનગર ખાતે નિર્માણ પામનારા સૂચિત બહુહેતુક આંજણા ધામમાં કુલ ૧૩ માળ હશે. આંજણા ધામ ભવનનું કુલ બાંધકામ ૪.૫ લાખ ચો. ફૂટ વિસ્તારમાં થશે. અંદાજે ૨૫ હજાર ચો. ફૂટની જગ્યા ધરાવતી ૩ લાઈબ્રેરી,૬૫૦ સ્ટુડન્ટ એક સાથે જમી શકે તેવું અદ્યતન ડાઈનીંગ હોલ તથા તે મુજબનું કીચન, ૨૦૦ સ્ટુડન્ટ વાળા ચાર ક્લાસરૂમ અને
૬૦ સ્ટુડન્ટ વાળા ૬ ક્લાસ રૂમ ,૨૫૦ સ્ટુડન્ટની કેપેસીટી વાળી કોમ્પ્યુટર લેબ, ૨,૩૦૦ સ્ટુડન્ટ એક સાથે નિવાસ કરી શકે તેવી આધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.આ ઉપરાંત કુલ ૧૨ લિફ્ટ ધરાવતા ભવનના ૧૨મા માળે ખેલકૂદ માટે ઈનડોર ગેમ તથા ૧૦ હજાર ચો. ફૂટના બે મલ્ટિપરપઝ હોલ, રિસેપ્શન,બોર્ડ રૂમ, કોન્ફરન્સ રૂમ, અમ્ફી થિયેટર તેમજ સોલાર રૂફ ટોપનું નિર્માણ કરવામાં આવશે.
વિશ્વ આંજણા ધામના નિર્માણ માટે દાનની સરાવણી વહેવાવનારમાં શ્રી મણીલાલ કરશનભાઈ ચૌધરી (દગાવાડિયા) ,શ્રી શંકરભાઈ ચૌધરી (શંકુઝ વોટરપાર્ક) ,શેઠ શ્રી હરીભાઇ વેલજીભાઈ ચૌધરી (ચરાડા) , શ્રી રમણભાઇ ચૌધરી (સોલૈયા, હાલ કેનેડા-યુ.એસ.એ.),શ્રી કનુભાઇ ડાહ્યાભાઈ ચૌધરી (દગાવાડિયા) ,શ્રી બાબુભાઈ મણીલાલ ચૌધરી (દગાવાડિયા) શ્રી રમેશભાઈ ભીમજીભાઈ ચૌધરી (સુઈ ગામ), શ્રી મૂળજીભાઇ ચૌધરી (બાલવા, હાલ USA), નરસિંહભાઇ દેસાઇ (ભદ્રેસર, હાલ USA),આર.ડી. ચૌધરી (ઝાલોર,રાજસ્થાન) ઉપરાંત સમાજના 30 થી વધુ અન્ય દાતાઓ છે. જેઓના વિશિષ્ટ માર્ગદર્શન નીચે આ ભવ્ય આયોજન થઇ રહ્યું છે.
સમાજ-રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના ઉમદા હેતુથી જમિયતપુરા-ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’ના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ યુ.એસ.એ./કેનેડા સહિત વિવિધ દેશોમાંથી પણ આંજણા ચૌધરી સમાજના દાતાશ્રીઓ, આંજણા ધામના ટ્રસ્ટીશ્રીઓ, આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થશે