મહાસતાનો મોહ! કેનેડા – અમેરિકી બોર્ડર પરથી એક વર્ષમાં રેકોર્ડબ્રેક 90415 ભારતીયોની ધરપકડ
ઘુસણખોરીમાં પકડાયેલા કુલ ભારતીયોમાંથી અર્ધોઅર્ધ ગુજરાતી: ચોંકાવનારો રિપોર્ટ
ગરવી તાકાત, અમદાવાદ તા. 25 : જોખમી મુસાફરી અને સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલાં ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના મૃત્યુ અને ધરપકડ થાય છે છતાં, યુએસમાં જીવનની લાલચ, ખાસ કરીને ગુજરાતીઓમાં પ્રબળ જોવા મળે છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન ડેટા દર્શાવે છે કે 1 ઓક્ટોબર 2023 થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન 29 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ મેક્સિકો અને કેનેડા મારફતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પકડાયા હતાં. તેમાંથી ભારતીયોની સંખ્યા 90415 હતી.
ગેરકાયદે ઇમિગ્રેશન પર નજર રાખતી ભારતીય એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે પકડાયેલા લોકોમાંથી આશરે 50 ટકા ગુજરાતીઓ હતાં. એવું પણ કહી શકાય કે દર કલાકે 10 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ઉપરાંત, ઉત્તરમાં કેનેડા સાથેની યુએસ સરહદ પર 43764ની ધરપકડ કરવામાં આવી હતી, જે આ સરહદ પર પકડાયેલા ભારતીયોની સૌથી વધુ સંખ્યા હતી.
ડેટા દર્શાવે છે કે મેક્સિકો રૂટ પર પકડાયેલા ભારતીયોની સંખ્યામાં અગાઉનાં વર્ષનાં કુલ 32 લાખ લોકોની સરખામણીમાં થોડો ઘટાડો થયો છે. વર્ષ 2022 માં, પકડાયેલા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સની સંખ્યા 96917 હતી. 2024 માં, ઓછા ભારતીયો (25616) યુએસ-મેક્સિકો સરહદે પકડાયા હતાં. યુએસ વર્ષ 2023 માં આ સંખ્યા 41770 હતી.
ઇમિગ્રેશન નેટવર્કના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે”લોકોએ બે મુખ્ય કારણોને લીધે મેક્સિકો થઈને ગધેડાનો માર્ગ વાપરવાનું બંધ કરી દીધું છે. એક તો મેક્સિકો લઈ જવામાં આવે તે પહેલાં તેમને થોડાં સમય માટે દુબઈ અથવા તુર્કીમાં રાખવામાં આવે છે અને બીજું યુએસ એજન્સીઓ, છેલ્લાં કેટલાક વર્ષોથી, તીવ્ર તકેદારી રાખી રહી છે. તે દેશોમાં રહેતાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર અને માનવ તસ્કરીની સાંકળમાં કડીઓ તોડી નાખી છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓએ પણ મેક્સિકો કરતાં કેનેડાને પસંદ કરવાનું શરૂ કર્યું કારણ કે તેઓ સરળતાથી ટેક્સી ભાડે કરીને યુએસ તરફ જઈ શકે છે. તાજેતરમાં યુએસ અધિકારીઓએ આ સરહદ પર સતર્કતા દાખવી છે. આવાં વસાહતીઓને સામાન્ય રીતે કેનેડા મોકલવામાં આવે છે.
કારણ કે તેમાંના મોટાભાગનાં લોકો પાસે કેનેડાના વિઝિટર વિઝા હોય છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે જે લોકો વાસ્તવમાં યુ.એસ.માં ઘૂસે છે તેની તુલનામાં સરહદ પર પકડાયેલા લોકોની સંખ્યા ખૂબ ઓછી હોય હોઈ શકે છે.