ગરવી તાકાત મેહસાણા: કલોલ – છત્રાલ હાઇવે રોડ પર ગઈકાલે બુધવારે સાંજના સમયે મહેન્દ્ર સોમાભાઈ પટેલ નામની આંગડિયા પેઢીના ડ્રાઇવરની ઈકો કારને તું ગાડીને સાઈડ કેમ આપતો નથી તેવું કહીને આંતરીને ઘાતક હથિયારો સાથે સુમો કારમાં આવેલા પાંચ લુટારુઓ 2 કરોડ 9 લાખની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. જેથી કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના કલોલની શારદા સોસાયટીમાં રહેતો દિલીપ શાંતિલાલ પટેલ સાતેક માસથી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ (એમ એસ પેઢી) ની આંગડિયા પેઢીમાં આઠ હજારનાં માસિક પગારથી નોકરી કરે છે. ગઈકાલે દિલીપ કડી પ્લેટીનમ પ્લાઝા ખાતે આવેલ પેઢીએ નોકરી ગયો હતો. ત્યારે સાંજના સાતેક વાગે એમ એસ પેઢીના મહેતાજી કનુભાઈ પ્રજાપતિએ કહેલું કે હું થોડીવારમાં રૂપિયાનો હિસાબ કરીને બે પાર્સલ બનાવીને આપું છું. જે લઈને અમદાવાદ જવાનું છે.
આ પાર્સલ લઈને કોબા કે એપોલો સર્કલ જઈને શેઠ હર્ષદભાઈ પટેલના ફોન પર સંપર્ક કરીને તેઓના કહ્યા મુજબ બંને પાર્સલ અમદાવાદ પહોંચતા કરી દેવાના છે. બાદમાં દિલીપ 2 કરોડ 9 લાખ ભરેલ બે પાર્સલ ઈકોમાં લઈને સાડા સાત વાગ્યાના અરસામાં અમદાવાદ જવા નિકળ્યો હતો. જે કડી છત્રાલ આવતો હતો ત્યારે પોણા આઠ વાગે ધાનોટ પાટીયા પસાર કરી ઢાળ ઉતારતો હતો. તે દરમ્યાન એક સફેદ કલરની સુમો ગાડી પાછળ આવીને ઈકો કારની અડોઅડ આવી હતી.
તેમજ સુમો ગાડીના ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા ઈસમે “ઓય ઓ” તેવી બૂમ પાડીને મારો ઓવરટેક કરે છે તેમ કહી ઈકો કારને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી દિલીપને શંકા જતા તેણે ઈકો કારની સ્પીડ વધારી દીધી હતી. એટલે સુમોના ડ્રાઇવરે પણ તેની ગાડીની સ્પીડ વધારી ઈકો કારને દબાવવાનો પ્રયાસો કર્યા હતા. ત્યારે કરણ પેપર મીલથી થોડેક દૂર રોડની સાઈડમાં દિલીપે ઈકો કાર લેતા જ ફિલ્મી ઢબે સુમો ગાડી આગળ આવીને ઊભી રહી ગઈ હતી.
બાદમાં સુમો ગાડીમાં બેસેલા કુલ 5 ઈસમોમાંથી ત્રણ ઈસમો ઉતરીને ઈકો કાર પાસે આવ્યા હતા. જેમના હાથમાં લોખંડની પાઈપનો ટુકડો તેમજ હથોડી ટાઈપનો લાકડાનો દંડો પણ હતો. જે પૈકીના એક ઈસમે તું મારી ગાડીને સાઈડ કેમ આપતો નથી કહીને ઈકોની ચાવી કાઢી લઈ બીજા ઈસમને આપી હતી. તેમજ બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.
જ્યારે બીજા ઈસમે ઈકો કારનો પાછળનો દરવાજો ચાવીથી ખોલીને બન્ને પાર્સલો સૂમો કારમાં મુકી દીધા હતા. આ તરફ એક ઈસમે લોખંડની પાઈપ વડે દિલીપ પર હુમલો કરતા દિલીપે હાથ વચ્ચે લાવી દીધો હતો. જેનાં પગલે દિલીપે બૂમાબૂમ કરી મુકતા પાંચેય ઈસમો સુમો કારમાં છત્રાલ ટોલ ટેક્ષ તરફ ભાગી ગયા હતા. આ અંગે દિલીપ પટેલની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.