સતલાસણાના મીની પાવાગઢ ખાતે એક્ટિવા સ્લીપ થતાં દંપતી પહાડ પરથી નીચે પટકાયું

October 22, 2026

મહાકાળી માતાજીનાં દર્શન કરી પરત ફરતી વખતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાલડી ગામના પતિ-પત્નીનું કરુણ મોત

 

 

ગરવી તાકાત

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા સ્થિત ઉમરેચા ગામ નજીક મીની પાવાગઢ તરીકે ઓળખાતા પહાડી ધાર્મિક સ્થળે એક અત્યંત કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. સાલડી ગામના વતની રમણભાઈ ઠાકોર અને તેમનાં ધર્મપત્ની ચંદ્રિકાબેન ઠાકોર પોતાનું એક્ટિવા લઈને પહાડ પર બિરાજમાન મહાકાળી માતાજીનાં દર્શનાર્થે ગયાં હતાં. માતાજીનાં દર્શન પૂર્ણ કરી પરત ફરી રહ્યાં હતાં તે વેળાએ પહાડના ઢાળ પર અચાનક એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં દંપતી સીધું પહાડ પરથી ઊંડી ખીણમાં નીચે પટકાયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે પતિ-પત્ની બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

માતાજીના આશીર્વાદ લેવા નીકળેલા દંપતીના અકાળે અવસાનના સમાચાર વતન સાલડી ગામે પહોંચતાં જ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગામના સરપંચ ઘેમરજીના જણાવ્યા અનુસાર મૃતક દંપતીના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે, જેમાં પુત્રીના લગ્ન થઈ ચૂક્યાં છે જ્યારે પુત્ર હજુ અપરિણીત છે. માતા-પિતાની અણધારી વિદાયથી પુત્ર અને પરિવારે મોટો આધાર ગુમાવ્યો છે. ગમગીન માહોલ વચ્ચે બંને મૃતકોના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0