મેમદપુરમાં નવરાત્રી દરમિયાન જૂથ અથડામણ: સામસામે હુમલો, બાઈક સળગાવ્યું અને સરપંચનો હાથ ભાંગ્યો, સાંથલ પોલીસે બંને પક્ષે ગુનો નોંધ્યો

ગરવી તાકાત
મહેસાણા તાલુકાના મેમદપુર ગામે આસો નવરાત્રીના ઉત્સવ દરમિયાન જૂની અદાવત અને પત્ની સામે જોવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સામસામે હિંસક જૂથ અથડામણ, હુમલો તેમજ મોટરસાયકલમાં તોડફોડ કરી તેને સળગાવી દેવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ હિંસક ઘટનામાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં દખલગીરી કરવા ગયેલા ગામના સરપંચનો હાથ પણ ભાંગી ગયો છે. આ મામલે બંને પક્ષો દ્વારા એકબીજા સામે જીવલેણ હુમલો કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સામસામી ફરિયાદો નોંધાવવામાં આવતાં સાંથલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, મેમદપુરથી ભટારીયા રોડ પર આવેલ ખેતરમાં રહેતા ૨૨ વર્ષીય રણધીરસિંહ દશરથસિંહ ઝાલા ગત ૧૬ ઓક્ટોબરના રોજ રાત્રે નવેક વાગે તેમના મામાના દીકરા ભૈયલુભા અને સુનીલ સાથે ગામમાં આવેલ માત્રીમાના મંદિરે નવરાત્રી જોવા ગયા હતા. તે વખતે ગામનો અજયજી ઉર્ફે સેમ્પુ ઠાકોર મોટરસાયકલ લઇને આવ્યો હતો અને તેનું વાહન રણધીરસિંહને અડી જતાં તેમણે બાઈક દૂર રાખવાનું કહ્યું હતું, જેથી અજયજી ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ અજયજીએ પોતાના ઘરેથી સ્વજનો તથા અન્ય લોકોને હથિયારો સાથે બોલાવી લીધા હતા અને રણધીરસિંહ પર લોખંડની પાઇપ વડે કાનની ઉપરના ભાગે હુમલો કર્યો હતો. આ અંગે રણધીરસિંહે અજયજી ઉર્ફે સેમ્પુ ઇશ્વરજી ઠાકોર, ઈશ્વરજી ઠાકોર, રાહુલજી, શંભુજી કરશનજી ઠાકોર, અનોપજી કરશનજી ઠાકોર, ભરતજી અમથાજી ઠાકોર, હેમતાજી અમરાજી ઠાકોર, સ્મીત અમીતજી ઠાકોર, કાસજી રાયમલજી ઠાકોર, રણજીતજી દિવાનજી ઠાકોર, મહેશજી દલાજી ઠાકોર અને નરેશજી ચુનાજી ઠાકોર સામે ધોકા, લાકડીઓ અને પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધાવ્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રણધીરસિંહને સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
બીજી તરફ સામપક્ષે અજયજી ઉર્ફે સેમ્પુ ઇશ્વરજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૧૬ ઓક્ટોબરે સાંજે સાતેક વાગે તેઓ પોતાની પત્ની મનીષાબેન સાથે મોટરસાયકલ પર જઇ રહ્યા હતા ત્યારે માત્રીમાના મંદિર પાસે ગામનો વિક્રમજી કાન્તીજી ઠાકોર તેમની પત્ની સામે જોઇ રહ્યો હોવાથી તેમણે ઠપકો આપ્યો હતો, જેને લઈને તકરાર થઈ હતી. ત્યારબાદ રાત્રે અજયજી પોતાના બાઈક પર ઘરે આવી રહ્યા હતા ત્યારે કટોસણા વાસના રસ્તા પર દરબારવાસ પાસે પહોંચતાં જ રણધીરસિંહ અને તેમના પિતા દશરથસિંહે લાકડીઓ વડે હુમલો કરી અજયજીને કપાળ તથા ખભાના ભાગે ઈજા પહોંચાડી હતી. અજયજી પોતાનું વાહન ત્યાં મૂકીને ભાગી જતાં હુમલાખોરોએ મોટરસાયકલની હેડલાઈટ તોડી તેની ટાંકીના ભાગે આગ લગાડી તેને સળગાવી દીધું હતું.
આટલું જ નહીં, ત્યારબાદ આ જ પક્ષે રાજપુર ગામેથી ૧૦ જેટલા માણસોને લાકડી, તલવાર, ધારીયા અને છરા જેવા શસ્ત્રો સાથે બોલાવ્યા હતા. ગામમાં વાતાવરણ વણસતાં અને અશાંતિ સર્જાતાં બનાવની જાણ થતાં જ મધ્યસ્થી બનીને સમજાવટ માટે પહોંચેલા ગામના સરપંચ ભરતજી અમથાજી ઠાકોર પર પણ ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કરી દીધો હતો, જેમાં સરપંચને ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું. આ બનાવમાં અજયજી ઠાકોરે વિક્રમજી કાન્તીજી ઠાકોર, રણધીરસિંહ દશરથસિંહ દરબાર, દશરથસિંહ દરબાર, હિતેશસિંહ મહેન્દ્રસિંહ, કુલદીપસિંહ, ચકો તથા રાજપુરથી આવેલા અજાણ્યા ૧૦ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સાંથલ પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદોના આધારે કાયદેસરની તપાસ ચાલુ કરી છે.