-> પીડિત પરિવારે સુઈગામ સરકારી હોસ્પિટલની મદદથી મોરવાડા PHCની એમ્બ્યુલન્સ બોલાવી વધુ સારવાર માટે થરાદ ખાનગી દવાખાને દાખલ કરાયા :
ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ,વાવ ,ભાભર તેમજ થરાદ તાલુકાઓ હાલે પૂરગ્રસ્ત હોઈ જનજીવન ખોરવાઈ ગયું છે,અતિભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઝેરી જીવજંતુઓ કરડવાના બનાવો બનતા હોય છે, કે ડિલિવરી તેમજ લોકો બીમાર થતા હોય,ત્યારે સરકાર દ્વારા ફાળવાયેલ 108 અને એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ બનતા હોય છે,પણ સુઈગામ તાલુકા મથક ખાતે ફાળવાયેલ 108 ના પાયલટની મનમાની વધી જવા પામતા સ્થાનિક પીડિત લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે,મંગળવારે સુઈગામના ઈન્દ્રદાન ગઢવી ઉ.વ. 24 ને ઝેરી કોબ્રા સાપ કરડતા તાત્કાલિક સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા,

જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે થરાદ લઈ જવાના હોઈ સુઈગામ ખાતે ફાળવાયેલ 108ના પાયલટને કહેતા પાયલટે રસ્તા વચ્ચે પાણીનું બહાનું કાઢી સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો, સુઈગામ CHC ના ડોક્ટરો તેમજ તાલુકા આરોગ્ય અધિકારીએ પણ 108 ના કર્મચારીઓને સાપ કરડેલ દર્દીને આગળ સારવાર માટે લઈ જવા કહેવા છતાં 108 ના કર્મચારીઓ માન્યા ન હતા, ત્યારે સુઈગામથી 17 કી.મી દૂર મોરવાડા PHC ની સરકારી એમ્બ્યુલન્સ બોલાવી એ સાપ કરડેલ દર્દીને એમ્બ્યુલન્સમાં બેસાડી થરાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવેલ, ગત તા.12 સપ્ટેમ્બરે સુઈગામ તાલુકાના જલોયા ગામની પ્રસૂતા આશાબેન અશોકભાઈ ઠાકોર ને સુઈગામ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી થયા બાદ બ્લિડિંગ શરૂ થઈ જતા વધુ સારવાર અર્થે આગળ દવાખાને લઈ જવાની નોબત આવતા એ સમયે પણ 108 ના કર્મચારીઓએ ના પાડી હતી,

પ્રસૂતા મહિલા દર્દીને એ સમયે પણ ટ્રેકટરમાં બેસાડી અને એમ્બ્યુલન્સના માધ્યમથી પાલનપુર દવાખાને દાખલ કરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે સરહદી સુઈગામ તાલુકામાં હાલે વરસાદી પૂરના કારણે બીમારીનું પ્રમાણ વધ્યું છે, વળી ઝેરી જીવજંતુ કરડવા કે પ્રસૂતાઓને વધુ સારવાર માટે 108 આશીર્વાદ રૂપ છે,પણ સુઈગામ 108 નો સ્ટાફ છેલ્લા કેટલાય સમયથી મનમાની કરતો હોય તેવા આક્ષેપો ઉઠવા પામ્યા છે, દર્દીઓને તેમજ અકસ્માતથી પીડિત લોકોને સમયસર સારવાર મળે તે માટે સરકાર દ્વારા 108 ની સુવિધા ઉપલબ્ધ કરાવી સારું કાર્ય કર્યું છે, પણ સુઈગામ ના 108 ના કર્મચારીઓની મનમાનીના કારણે 108 ની સેવા વગોવાઇ રહી છે,ત્યારે સુઈગામના 108 ના કર્મચારીઓની શાન ઠેકાણે લાવવા આરોગ્ય વિભાગ દ્વારા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે….


