મહેસાણા મનપાની ₹200 કરોડની વિકાસ ગ્રાન્ટના ઉપયોગ સામે મોટો વિવાદ

October 23, 2026

મહેસાણા મનપાની રુ.200 કરોડની વિકાસ ગ્રાન્ટના ઉપયોગ સામે મોટો વિવાદ: ‘ધ અર્બન લેબ’ને ટેન્ડર વિના કન્સલ્ટન્સી સોંપાતા વિરોધ, પેમેન્ટ અટકાવી ઠરાવ રદ કરવા કમિશનરને ઉગ્ર રજૂઆત

 

ગરવી તાકાત

ગાંધીનગર મનપાના ભાવોનું આંધળું અનુકરણ કરી એજન્સીને 6 થી 8 કરોડ ચૂકવવાનું આયોજન હોવાનો આક્ષેપ

મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર પામ્યા બાદ શહેરના સર્વાંગી આધુનિકરણ અને માળખાકીય વિકાસ માટે ફાળવવામાં આવેલી ₹200 કરોડની માતબર ગ્રાન્ટના વિનિયોગને લઈને મોટો રાજકીય અને વહીવટી વિવાદ વકર્યો છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જાહેર ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધર્યા વગર જ ‘ધ અર્બન લેબ’ નામની ખાનગી એજન્સીની સીધી નિમણૂક કરી દેવામાં આવતા પારદર્શિતા અને નાણાકીય શિસ્તતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા કમલેશ એસ. સુતરીયાએ સીધો મોરચો માંડ્યો છે અને મ્યુનિસિપલ કમિશનરને વિગતવાર લેખિત રજૂઆત સુપરત કરીને વહીવટદાર દ્વારા કરવામાં આવેલા ઠરાવ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

પૂર્વ વિપક્ષી નેતાએ પોતાની રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે વહીવટદાર દ્વારા તા. 30 જાન્યુઆરી 2025ના રોજ મંજૂર કરવામાં આવેલા ઠરાવ નંબર 33 હેઠળ આ એજન્સીને લેક ડેવલપમેન્ટ, ગાર્ડન ડેવલપમેન્ટ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, બ્રિજ, અંડરપાસ, ફ્લાયઓવર તેમજ સ્માર્ટ સિટી જેવા કરોડો રૂપિયાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે ડિઝાઇન કન્સલ્ટન્સી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (પીએમસી)ની કામગીરી સોંપી દેવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)ની માર્ગદર્શિકા અને ગુજરાત સરકારની માન્ય પ્રોક્યોરમેન્ટ પોલિસીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ મુકાયો છે. જાહેર નાણાંના ઉપયોગ વખતે મોટા પ્રોજેક્ટ્સ માટે ફરજિયાતપણે ઈ-ટેન્ડરિંગથી સ્પર્ધાત્મક ભાવો મંગાવવાના હોય છે, પરંતુ તેના સ્થાને માત્ર સિંગલ પ્રપોઝલના આધારે સીધી લહાણી કરી દેવાતા શંકાની સોય તંત્ર તરફ તકાઈ છે.

આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2023-24માં મંજૂર કરાયેલા ઠરાવો, શરતો અને ભાવોનું મહેસાણામાં કોઈપણ ઊંડાણપૂર્વકના તુલનાત્મક અભ્યાસ વગર આંધળું અનુકરણ કરવામાં આવ્યું હોવાની બાબત પણ સામે આવી છે. ગાંધીનગર અને મહેસાણા બંને શહેરોની ભૌગોલિક પરિસ્થિતિ, માળખાકીય માળખું અને સ્થાનિક જરૂરિયાતો તદ્દન ભિન્ન હોવા છતાં સ્થાનિક સ્તરે સ્વતંત્ર આંકલન કર્યા વગર જ ગાંધીનગરના ધોરણો અહીં લાગુ કરી દેવાયા છે. જેના કારણે ડિઝાઇન કન્સલ્ટન્સી પેટે 1.4 ટકાથી 2 ટકા અને પીએમસી પેટે 1.1 ટકાથી 2.7 ટકા જેટલા ઊંચા કમિશનના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. 200 કરોડના વિકાસ કાર્યો પાછળ આશરે 6 થી 8 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માત્ર એક ખાનગી એજન્સીને ચૂકવવાનું આયોજન ઘડી કઢાયું છે, જે મહેસાણાના સામાન્ય કરદાતાઓના નાણાંનો સરેઆમ દુરુપયોગ છે. જો નિયમ મુજબ ખુલ્લી અને પારદર્શક સ્પર્ધાત્મક ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ હોત તો અન્ય અનુભવી અને નામાંકિત એજન્સીઓ આના કરતા ઘણા ઓછા દરે ગુણવત્તાયુક્ત કામ આપવા તૈયાર થઈ શકી હોત.

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ પણ નિર્દેશિત કરવામાં આવી છે કે મહેસાણા મહાનગરપાલિકા પાસે પોતાનું ટેકનિકલ અને એન્જિનિયરિંગ સ્ટાફનું સક્ષમ સેટઅપ ઉપલબ્ધ હોવા છતાં, પ્રાથમિક સર્વે અને ડ્રોઈંગ જેવા સામાન્ય કાર્યો પણ ખાનગી એજન્સીને સોંપી દેવાયા છે, જે પાલિકાના પોતાના ઈજનેરોની કાર્યક્ષમતા અને ક્ષમતા સામે પણ મોટા પ્રશ્નાર્થ ખડા કરે છે. આ તમામ ગંભીર અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારની આશંકાને પગલે એજન્સી દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરાયેલા તમામ સર્વે, ડિઝાઇન, ડ્રોઈંગ અને ડીપીઆરનું કોઈ સ્વાયત્ત કે માન્ય સરકારી એન્જિનિયરિંગ સંસ્થા દ્વારા ટેકનિકલ ઓડિટ કરાવવાની માંગણી કરવામાં આવી છે.

તેમજ જ્યાં સુધી આ સમગ્ર વિવાદાસ્પદ પ્રક્રિયા અને કન્સલ્ટન્સી ફીના દરોની યોગ્ય પુનઃ સમીક્ષા ન થાય ત્યાં સુધી સંબંધિત એજન્સીના તમામ ચાલુ બિલો અને ભવિષ્યના પેમેન્ટ તુરંત અસરથી અટકાવી દેવા તાકીદ કરવામાં આવી છે. અંતમાં એવી સ્પષ્ટ ચીમકી પણ આપવામાં આવી છે કે પ્રજાના હિત અને વહીવટી પારદર્શિતા જાળવવા માટે વિવાદાસ્પદ ઠરાવ નંબર 33 ને સત્વરે રદ કરવામાં નહીં આવે તો સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી કાનૂની રાહે અદાલતના દ્વાર ખખડાવવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0