એક તરફ ડબલ એન્જીનની સરકારના બણગા ફુંકવામાં આવી રહ્યા છે તો બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં રેલ્વે ફાટકના કામો ગોકળગતીએ ચાલી રહ્યા છે. જેથી સ્થાનિકોને તથા રાહદારીઓને રાજ્યમાં અનેક સ્થળો પર ભારે હાંલાકીનો સામનો કરવો પડે છે. આવી ભારે હાંલાકીનો સામનો મહેસાણા તાલુકાના લોકો કરી રહ્યા છે. જેમાં મેવડથી પુનાસણ વચ્ચે આવેલ રેલ્વે ફાટક પર અન્ડર ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી છેલ્લા 2 વર્ષથી પુરી થવાનુ નામ જ લેતી નથી. જેથી આસપાસના વિસ્તારોના અનેક ગામના લોકોને લાંબા – લાંબા ચક્કર કાપવા પડી રહ્યા છે.
મહેસાણા તાલુકાના પુનાસણથી મેવડ વચ્ચે આવેલ ફાટક નં. 206 પર અંડર ગ્રાઉન્ડની કામગીરી 2 વર્ષથી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી એટલી ધીમીગતીએ ચાલી રહી છે અહીના આસપાસના ગ્રામજનોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત છેલ્લા 2 માસથી આ સ્થળ પર કામગીરી બીલકુલ બંધ પડી છે. જેથી અહીથી પસાર થતાં 8 ગામના લોકોને 7 કિલોમીટર જેટલુ લાંબુ ચક્કર કાપવુ પડી રહ્યુ છે.
આસપાસના વિસ્તાના લોકોના જણાવ્યા અનુસાર આ સાઈટ ઉપર ગામની સીમના ખેડૂતોની અરસપરસ વિસ્તારમાં આવેલ ખેતરોમાં આવનજાવનમાં ટ્રેકટર, બળદગાડુ લઇ જવાની પણ જગ્યા ન હોઇ ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા ગોકળગતીએ કામગીરી થતી હોવાથી 8 જેટલા ગામના લોકો હાલાંકીનો સામનો કરી રહ્યા છે. જેમાં મેવડ, બોરીયાવી, ખારા, જોટાણા વગેરે તરફથી પુનાસણ જવા માટે અહીંયાં બે કિ.મી પુનાસણ તરફનો રસ્તો હોઇ ત્યાં રેલવે ફાટક કામગીરીના કારણે વાયા જગુદળ સાત કિલોમીટરનું અંતર કાપીને આવન જાવન કરવું પડે છે. આ અન્ડરબ્રીજની કામગીરીમાં સ્લેબ ભરીને છેલ્લા બે મહિનાથી કામગીરી ઠપ કરી દેવામાં આવી છે.