-> પોલીસે આરોપીઓ સામે વધુ કલમો ઉમેરી લૂંટની રકમમાંથી બનાવેલા મકાનને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે :
મહેસાણા : મહેસાણા શહેરમાં શનિવારે સાંજના સમયે માત્ર પોણા કલાકમાં ત્રણ સ્થળે લૂંટ ચલાવનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા રાધનપુર ચોકડી લશ્કરી કૂવા વિસ્તારના મહેબુબ ઉર્ફે રજ્જુ સીંધી અને સુલતાન ઉર્ફે ડેરો સિંધીને એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે. આરોપી રજ્જુ રિક્ષા ચલાવીને પહેલા રેકી કરતો હતો. તે સ્મશાન રસ્તાઓ પર જતા લોકોને દાદાગીરી કરી છરો બતાવી રૂપિયા અને મોબાઈલની લૂંટ ચલાવતો હતો. શોભાસણ રોડ પર ગ્રીન સોસાયટી પાછળ ખેડૂત પ્રફુલભાઈ પાસેથી રૂ.2,000નો મોબાઈલ લૂંટ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર લીંક રોડ પર મોરપીંછ હોટલ સામે વેપારી ચેહરસિંહ પાસેથી રૂ.500 અને ટેમ્પાવાળા છોટુપૂરી પાસેથી રૂ.900 લૂંટ્યા હતા.

દેલા વસાહત રોડ પર મહેશ દેવીપૂજક અને તેના મિત્ર પાસેથી કુલ રૂ.8,100ની મત્તાની લૂંટ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે અગાઉ 11થી વધુ લૂંટના ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ સામે વધુ કલમો ઉમેરી છે અને લૂંટની રકમમાંથી બનાવેલા મકાનને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શોભાસણ રોડ પર સાંજે 5.30 વાગે જન્નત ગ્રીન સોસાયટી પાછળ ખેડૂત પ્રફુલભાઈ પ્રભુદાસ દેવીપૂજક ચકલાંને દાણાં નાખતા હતા. ત્યારે એક્ટિવા પર આવેલા બે પૈકી એકે છરી બતાવી હું રજ્જુ ડફેર છું તેમ કહી ગાળો બોલી રૂ.2,000નો મોબાઇલ લૂંટી ગયા હતા. ખેડૂતે તરત 100 નંબર પર પોલીસને જાણ કરી હતી.

ત્યાંથી બંને ડફેરે ગાંધીનગર લીંક રોડ પર મોરપીંછ હોટલ સામે મોહનપુરાના વેપારી ચેહરસિંહ વાઘેલા ટેમ્પોવાળાને ત્યાં આઈસ્ક્રીમ ખાઈને પૈસા ચૂકવતા હતા. ત્યાં આવીને ચેહરસિંહ પાસેથી રૂ.500અને ટેમ્પાવાળા છોટુપૂરી રામેશ્વરપુરી ગોસ્વામી પાસેથી રૂ.900 લૂંટ્યા હતા. જ્યારે સાંજે 6.15 વાગે દેલા વસાહત રોડ પર મહેશ જીવણભાઈ દેવીપૂજક અને તેનો મિત્ર બાઈકમાં પેટ્રોલ ચેક કરતા હતા. ત્યાં બંને ડફેરે આવી મહેશ પાસેથી રૂ.5,000નો મોબાઇલ અને રૂ.600 રોકડા તથા પ્રવિણ પાસેથી રૂ.2,500નો મોબાઇલ મળી રૂ. 8,100ની લૂંટ કરી, ત્યારે પોલીસે પહોંચી જઈ બંનેને પકડી લીધા હતા.
