ગરવી તાકાત ઃ ખેરાલુ
તા.11-9-2026
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નંદાલી વિસ્તારમાં મોડી રાત્રે અંધાધૂંધ ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. નંદાલી ગામના રહેવાસી કનુસિંહ પરમાર રાત્રિના સમયે પોતાના ખેતર પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા, ત્યારે અગાઉથી જ ખેતરમાં ઓત લગાવીને છુપાયેલા અજાણ્યા શખસોએ તેમના પર અચાનક ફાયરિંગ કરી દીધું હતું. હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી ગોળી કનુસિંહના પેટ અને કમરના ભાગે વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં તેઓ તાત્કાલિક નજીકના મિયાસણ ગામે પોતાના મિત્રના ઘરે પહોંચ્યા હતા, જ્યાંથી પરિવારજનો અને સ્થાનિકોની મદદ વડે તેમને તાબડતોબ વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સ્થિતિ અત્યંત નાજુક જણાતાં તબીબોએ તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કર્યા હતા, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમનું સફળ ઓપરેશન હાથ ધરાયું છે.
આ ચકચારી ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસ, ઉચ્ચ અધિકારીઓ, LCB, SOG તેમજ ડોગ સ્ક્વોર્ડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ખેરાલુ પી.આઈ.ના જણાવ્યા અનુસાર, દેશી એક નાળવાળી બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ વિસ્તારમાં ભૂંડ ભગાડવા માટે પણ ફાયરિંગ થતું હોય છે કે પછી કોઈ જૂની લેતીદેતી કે અંગત અદાવતનો મામલો છે, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.
બીજી તરફ DySP મિલાપ પટેલે જણાવ્યું હતું કે, ભોગ બનનાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે રાત્રિ દરમિયાન સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ પોલીસે આ મામલે બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.


