બેચરાજીના મેડોસર તળાવ વિસ્તારમાં મોડી રાત્રે જૂની અદાવતનો ખૂની ખેલ

September 11, 2026

સીતાપુર અકસ્માતની તકરારમાં રિક્ષાચાલકના પરિવાર પર 10થી વધુ શખ્સોનો પ્રાણઘાતક હુમલો: પત્ની સહિત 5 ઈજાગ્રસ્ત, આરોપીઓએ મોબાઈલ તોડી વીડિયો ડિલીટ કર્યો

ગરવી તાકાત ઃબેચરાજી
તા.11-9-2026

બેચરાજી શહેરના મેડોસર તળાવની પાળે વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતના જૂના મનદુઃખને લઈને એક નિર્દોષ પરિવાર પર 10થી વધુ શખ્સોના ટોળાએ લાકડાના ધોકા અને ગડદાપાટુ વડે ખૂની હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વિપુલકુમાર નનુભાઈ રાવળ અને તેમના પરિવારજનો રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ઘરે હાજર હતા, તે સમયે બે કાર અને એક સ્કોર્પિયો ગાડીમાં આવેલા અશોકજી પ્રહલાદજી ઠાકોર, મહેશજી ઉર્ફે ગુગો, શંકુભા વાઘેલા, પ્રદીપ ઠાકોર તેમજ સીતાપુરના જાહલબેન ઠાકોર સહિતના શખ્સોએ આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ વિપુલકુમાર આગળ આવીને “બે દિવસ પહેલાં સીતાપુર મુકામે થયેલો અકસ્માત તેં જ કર્યો છે” તેમ કહી રિક્ષા અને વિપુલકુમારના મોબાઈલમાં ફોટા પાડવાનું શરૂ કર્યું હતું.

ફરિયાદીએ ફોટા પાડવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ટોળાએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને અશોકજી ઠાકોરે ગાડીમાંથી લાકડાનો ધોકો કાઢી સીધો વિપુલકુમારના માથામાં મારી દેતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઈજાગ્રસ્ત વિપુલકુમારને બચાવવા માટે તેમના ત્રણ ભાઈઓ વિમલભાઈ, નિલેશભાઈ અને ભરતભાઈ વચ્ચે પડતાં હુમલાખોરો તેમના પર પણ લાકડાના ધોકા વડે તૂટી પડ્યા હતા, જ્યારે પતિને બચાવવા આવેલી પત્ની સંજનાબેનને આરોપી જાહલબેને નિર્દયતાથી માર માર્યો હતો.

આ હિંસક હુમલા દરમિયાન પરિવારના સભ્ય રોહિતભાઈ સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતારતા હોવાથી હુમલાખોરોએ પુરાવાનો નાશ કરવા તેમનો ફોન ઝૂંટવીને વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો તેમજ અન્ય એક સભ્યનો મોબાઈલ જમીન પર પછાડી તોડી નાખ્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિકો એકત્રિત થઈ જતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી વાહનોમાં ફરાર થઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજા પામેલા વિપુલકુમારને પ્રાથમિક સારવાર બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે બેચરાજી પોલીસે હોસ્પિટલ પહોંચી ફરિયાદ નોંધી હુમલાખોરો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0