ખેતરમાં પતરાવાળી ઓરડી પાસે ચાલતી જુગારની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: 18 ઝડપાયા, 10 ફરાર, ગાડીઓ અને રોકડ સહિત ₹24.63 લાખનો મુદ્દામાલ જપ્ત

ગરવી તાકાત ઃ મહેસાણા
તા.11-9-2026
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લીમડી ગામે ખેતરમાં ચાલતા મોટા પાયાના જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સફળ દરોડો પાડ્યો છે. SMCના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ કલ્યાણસિંહ અને તેમની ટીમને બાતમી મળી હતી કે વડનગરનો મુકેશકુમાર ઇન્દુલાલ સલાટ લીમડી ગામે લીલાજી રયાજી ઠાકોરના ખેતરમાં આવેલી પતરાવાળી ઓરડી પાસે બહારથી માણસો બોલાવી હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પંચો સાથે રાખી પાડવામાં આવેલા દરોડા દરમિયાન સ્થળ પર ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે સતર્કતા દાખવી ઘેરાબંધી કરીને જુગાર રમાડનાર મુકેશ સલાટ સહિત 18 જેટલા શખ્સોને સ્થળ પરથી દબોચી લીધા હતા, જ્યારે ખેતર માલિક લીલાજી ઠાકોર અને અન્ય આઠથી દસ અજાણ્યા શખ્સો વાહનો લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
પોલીસે સ્થળ પરથી તેમજ પકડાયેલા આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા ₹1,26,090, ₹62,000ની કિંમતના 16 મોબાઇલ ફોન, સ્કોર્પિયો, ક્રેટા, નેનો અને વેગનઆર મળી ₹21.30 લાખની કિંમતની 4 ચાર-વ્હીલર ગાડીઓ, ₹1 લાખની 1 સીએનજી રિક્ષા તેમજ ₹45 હજારની કિંમતની 3 સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી છે. આ ઉપરાંત જુગારના બોર્ડ, કોઈન્સ અને 258 પેક ગંજીપાના કેટો સહિત કુલ ₹24,63,090નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં ખેરાલુ, વડનગર, લીમડી, વિસનગર, લુણવા, પાલનપુર, ઊંઝા, સિદ્ધપુર, હિંમતનગર, વિજાપુર અને રાજસ્થાનના શખ્સોનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે ખેતર માલિક, મોટરસાયકલ માલિકો અને ફરાર શખ્સો સામે ખેરાલુ પોલીસ મથકે ગુનો નોંધી પીઆઈ ઓમકારસિંહ સીસોદીયાએ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


