કડી પંથકમાં ઔદ્યોગિક એકમોને નિશાન બનાવતી તસ્કર ટોળકી સક્રિય

October 3, 2026

કડી-છત્રાલ રોડ પર આવેલી ટ્રાન્સફોર્મર બનાવતી કંપનીમાંથી રુ.1.87 લાખના કોપરની તસ્કરી

ગરવી તાકાત ઃ 3-10-2026

રાત્રિના ત્રાટકેલા અજાણ્યા તસ્કરો દીવાલ કૂદી કાચની બારી તોડી અંદર ઘૂસ્યા, કડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

કડી-છત્રાલ હાઈવે પર આવેલી ઔદ્યોગિક વસાહતમાં તસ્કરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક ફેક્ટરીને ચોર ઈસમોએ નિશાન બનાવતા ચકચાર મચી જવા પામી છે. કડી-છત્રાલ રોડ પર શેરા કંપનીની સામે સ્થિત ‘અભ્યોદય પાવર કમ્પોનન્ટ એલ.એલ.પી.’ નામની કંપનીમાંથી અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાની કિંમતનું મોંઘાદાટ કોપર ચોરી કરી બિન્દાસ્ત ફરાર થઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે કંપનીના ડિરેક્ટર દ્વારા કડી પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટનાની વિગતો એવી છે કે મૂળ દેત્રોજના વતની અને હાલ અમદાવાદના એસ.જી. હાઇવે પર અભ્યુદય ક્રાઉન પ્લાઝા પાસે રહેતા નિર્મય પ્રશાંતભાઈ શાહ કડી-છત્રાલ રોડ પર આવેલી ‘અભ્યોદય પાવર કમ્પોનન્ટ એલ.એલ.પી.’ કંપનીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. આ ફેક્ટરીમાં મુખ્યત્વે ટ્રાન્સફોર્મર બનાવવાની કામગીરી કરવામાં આવે છે. ગત તારીખ 2 સપ્ટેમ્બરના રોજ રાબેતા મુજબ સાંજના સાતેક વાગ્યાના સુમારે ફેક્ટરીનું તમામ કામકાજ પૂર્ણ કરી કંપની બંધ કરીને તમામ કર્મચારીઓ તથા અધિકારીઓ પોતપોતાના ઘરે ગયા હતા.

બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં ડિરેક્ટર નિર્મયભાઈ શાહ જ્યારે કંપની ખાતે પહોંચ્યા ત્યારે ફેક્ટરીમાં સ્કીલ લેબર તરીકે ફરજ બજાવતા સંજયભાઈએ તેમને જણાવ્યું હતું કે કંપનીના ઓવન વિભાગના પાછળના ભાગે આવેલી કાચની બારી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. આ સાંભળી નિર્મયભાઈ તાત્કાલિક સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ કરતા ખરેખર બારીના કાચ તૂટેલા જણાયા હતા. બારી તૂટેલી જોઈ ફેક્ટરીમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોવાની પ્રબળ શંકા ઉપજી હતી.

ત્યારબાદ ઓવન વિભાગની અંદર જઈને ઝીણવટભરી ચકાસણી કરવામાં આવતા ટ્રાન્સફોર્મર બનાવવા માટે સ્ટોક કરી રાખવામાં આવેલો આશરે 144 કિલોગ્રામ વજનનો કોપરનો જથ્થો ગાયબ હતો. આ ચોરી થયેલા તાંબાની બજાર કિંમત આશરે રૂ. 1,87,200 જેટલી આંકવામાં આવી છે. લાખો રૂપિયાની કિંમતના કોપરની ચોરી થયાનું સ્પષ્ટ થતાં જ કંપની સંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ચોરીની પુષ્ટિ થતાં જ કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન સ્પષ્ટ દેખાયું હતું કે 3 સપ્ટેમ્બરના રોજ રાત્રિના અઢી વાગ્યાથી લઈને ચાર વાગ્યાના ગાળામાં અજાણ્યા તસ્કરો કંપની પરિસરમાં ત્રાટક્યા હતા. આ ચોર ઈસમો ફેક્ટરીની આગળની કમ્પાઉન્ડ દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ઓવન વિભાગની પાછળ રહેલી કાચની બારી તોડી અંદર ઘૂસીને ટ્રાન્સફોર્મર માટેનું મોંઘુ કોપર સગેવગે કરી નાસી છૂટ્યા હતા.

બનાવ બન્યા બાદ કંપનીના ડિરેક્ટર નિર્મયભાઈ શાહને તાત્કાલિક બિઝનેસ અર્થે દિલ્હી જવાનું હોવાથી તે સમયે પોલીસ ફરિયાદ થઈ શકી ન હતી. તેઓ દિલ્હીથી કામ પતાવી પરત ફર્યા બાદ આ સમગ્ર ઘટના સંદર્ભે કડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. કડી પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને આસપાસના શકમંદોની પૂછપરછ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0