ગરવી તાકાત ઃ2-10-2026
મેયરશ્રી, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ગાંધી સ્મૃતિચોક જનતા માટે ખુલ્લો મૂકાયો
પૂજ્ય બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1.67 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત ‘મહાત્મા ગાંધી સ્મૃતિચોક’નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય વિસ્તારમાં નિર્મિત આ સ્મૃતિચોકને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રકલ્પ દ્વારા શહેરના સૌંદર્યીકરણની સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શોને જીવંત રાખવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ લોકાર્પણ પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ તથા મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ તકતી અનાવરણ કરી સ્મૃતિચોકનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે અગ્રણીઓ સર્વે શ્રી ભરતભાઈ ડાંગર અને શ્રી ગીરીશભાઈ રાજગોર પણ સહભાગી થયા હતા.
લોકાર્પણ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવપૂર્વક વંદના કરી હતી. ગાંધીજીના ખાદી અને સ્વાવલંબનના સંદેશને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલીની દુહાન, ડેપ્યુટી મેયર શ્રી રમેશભાઈ રાજપુત સહિત મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ મહેસાણા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ ખાતેથી ખાદીની ખરીદી કરી હતી.


