ગરવી તાકાત ઃ2-10-2026
રાજકારણમાં ઉચ્ચ હોદ્દો મળ્યા પછી પણ જમીન સાથે જોડાયેલા રહેવું એ સાચા લોકસેવકની ઓળખ છે, જે મહેસાણામાં જોવા મળ્યું છે. રાજ્યસભા સાંસદ મયંક નાયકની અનોખી સાદગીએ નગરજનોના દિલ જીતી લીધા છે.

મહેસાણા શહેરના બજારમાંથી પસાર થઈ રહેલા સાંસદ મયંક નાયકની નજર રસ્તાના છેડે બેસીને બૂટ-ચંપલ રીપેર કરતા એક વયોવૃદ્ધ શ્રમિક પર પડી હતી. સાંસદ કોઈપણ પ્રકારના પ્રોટોકોલ કે સુરક્ષાના દમામ વગર સીધા તે શ્રમિક પાસે પહોંચી ગયા હતા. તેઓ કોઈ ખચકાટ વિના શ્રમિકની બાજુમાં નીચે બેસી ગયા હતા અને આત્મીયતાપૂર્વક તેમના ખબરઅંતર પૂછ્યા હતા.
સાંસદે શ્રમિક સાથે પારિવારિક માહોલમાં વાતચીત કરી તેમની રોજગારી, પરિવારની સ્થિતિ અને પડતી મુશ્કેલીઓ વિશે માહિતી મેળવી હતી. સાથે જ કોઈપણ જરૂરિયાત હોય તો સહાય કરવાની ખાતરી પણ આપી હતી. એક ઉચ્ચ પદ ધરાવતા લોકપ્રતિનિધિને પોતાની સમક્ષ આટલી સહજતા અને સ્નેહથી બેઠેલા જોઈ શ્રમિક પણ ભાવુક બની ગયા હતા.
સાંસદની આ નિખાલસતા અને જમીની કાર્યશૈલી જોઈ બજારમાં ઉપસ્થિત સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ પ્રભાવિત થયા હતા. હોદ્દાના ભાર વગર સામાન્ય નાગરિકની સંવેદનાને સમજતા સાંસદ મયંક નાયકની આ સાદગીની તસવીરો અને ચર્ચા સમગ્ર મહેસાણામાં લોકમુખે વખણાઈ રહી છે.


