મહેસાણામાં ન્યૂઝ પેપરમાં ખાદ્યપદાર્થો આપતી બે જાણીતી હોટલો સામે ફૂડ વિભાગની કડક કાયદેસરની કાર્યવાહી

September 3, 2026

ખોરાક પેકિંગમાં સમાચાર પત્રનો ઉપયોગ અને લાયસન્સ વગરના વ્યવસાય સામે તંત્રની લડત; સંચાલકોને દંડની ચેતવણી

ગરવી તાકાત ઃ 3-9-2026

ન્યૂઝ પેપરની શાહીમાં રહેલા હાનિકારક કેમિકલ્સ અને લેડ આરોગ્ય માટે જોખમી હોવાનું જણાવી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક સૂચના જારી કરાઈ

મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મહેસાણા જિલ્લાના નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને અસ્વચ્છતા રોકવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પાલનપુર હાઈવે પર આવેલી બે મોટી પેઢીઓ દ્વારા ખાદ્ય સામગ્રી પીરસવા અને પેકિંગ કરવા માટે સમાચાર પત્રોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તેમજ લાયસન્સ વગર વ્યવસાય થતો હોવાનું માલુમ પડતા તંત્ર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

તપાસની વિગતો મુજબ મહેસાણાના પાલોદર બાયપાસ હાઈવે પર આવેલી માધવ રેસ્ટોરન્ટ અને માલગુડી ફૂડ ઈન ખાતે ફૂડ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ બંને પેઢીઓ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટના શિડ્યુલ-૪ ના નિયમોનું ઉલ્લંઘન કરી ખાદ્ય પદાર્થોના રેપિંગ માટે ન્યૂઝ પેપરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ઝડપાયું હતું. આ ગંભીર બેદરકારી બદલ કાયદાની કલમ-૫૮ મુજબ ૨ લાખ રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર ગુનો બનતો હોવાથી તેમજ વગર પરવાને ધંધો કરવા બદલ કલમ-૩૧ મુજબ આ બંને પેઢીઓ સામે એડજ્યુડિકેટિંગ કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ન્યૂઝ પેપરમાં વપરાતી શાહી અને તેમાંથી થતી નુકસાનકારક અસરો અંગે તંત્ર દ્વારા ગંભીર લાલબત્તી ધરવામાં આવી છે. સમાચાર પત્રના પ્રિન્ટિંગમાં વપરાતી શાહીમાં નાઈટ્રોસેલ્યુલોઝ, મિનરલ ઓઈલ, ડાયઝ અને સીસુ (લેડ) જેવા ભારે ધાતુઓ અને ઝેરી રસાયણો હાજર હોય છે. જ્યારે ગરમ ખોરાક આ ન્યૂઝ પેપરના સંપર્કમાં આવે છે ત્યારે આ કેમિકલ્સ ખોરાકમાં ભળી જાય છે, જે માનવ શરીરના વિવિધ અંગોને ગંભીર નુકસાન કરી શકે છે. આ જોખમને ધ્યાને રાખીને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ન્યૂઝ પેપરમાં ખોરાક પીરસવો કે પેકિંગ કરવો એ કાયદેસરનો ગુનો ગણાય છે.

જિલ્લાના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને કડક તાકીદ કરવામાં આવી છે કે તેઓ ખાદ્ય પદાર્થોના સંગ્રહ કે વેચાણ માટે ન્યૂઝ પેપરનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી તેની જગ્યાએ ફૂડ ગ્રેડ પેપર અથવા કન્ટેનરનો ઉપયોગ કરે. આ ઉપરાંત લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર ફૂડ બિઝનેસ કરવો એ કલમ-૬૩ મુજબ ૧૦ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ ધરાવતો ગુનો છે. જો ભવિષ્યમાં કોઈ પણ પેઢી લાયસન્સ વગર કે ન્યૂઝ પેપરનો ઉપયોગ કરતી ઝડપાશે તો તેમની સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેમ ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0