— વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇ આંદોલન મોકૂફ રખાયું હતું, ફરીથી આંદોલન માટે મીટીંગ યોજાઇ :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના મલાણા ગામના તળાવને ભરવાની માંગ સાથે અગાઉ પાંચ હજારથી વધારે ખેડૂતો કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી ત્યારબાદ પણ આ માગણીને પૂરી થતાં પછી મહિલાઓએ આંદોલનની તૈયારી કરી હતી પરંતુ પરીક્ષાને લઈ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું દરમ્યાન હવે આગામી ૧૩ એપ્રિલે ફરીથી મહિલાઓનું આંદોલન યોજાય તેવી શક્યતા વર્તાઈ રહી છે આંદોલનના આયોજન માટે આજે ભુતેડી ગામે મીટીંગ યોજાઈ હતી
પાલનપુરના મલાણા ગામના તળાવને પાણીથી ભરવા માટે ફરીથી મહિલાઓ દ્વારા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યાં છે. પાલનપુરના ભૂતેડી ગામે ૨૦ ગામના યુવાનો અને મહિલાઓની મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. થોડાક સમય અગાઉ મહિલાઓએ આંદોલનની તૈયારી આદરી હતી પરંતુ વિદ્યાર્થીઓની પરીક્ષા આવી જતાં આંદોલન મોકુફ રાખવામાં આવ્યુ હતુ.
હવે આગામી ૧૩ એપ્રિલે ફરીથી મહિલાઓ મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાય તેના આયોજન માટે આજે ભુતડી ગામે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતના આંદોલનમાં કિસાન સંઘના આગેવાનો અને એગ્રો એસોસિએશન પણ જોડાશે. પાલનપુરના બિહારી બાગ નજીક સભા યોજી ત્યાંથી કલેકટર સુધી રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. આ રેલીનું આયોજન મહિલાઓ દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પાંચ હજાર થી વધુ મહિલાઓ આ રેલીમાં જોડાય તે માટે ગામેગામ મિટીંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલીમાં પીવાના પાણી અને શરબત ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર