ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉત્તર પ્રદેશના હાપુડ ગઢમુક્તેશ્વરમાં જાહેરસભા કરી હતી. આ સભા માટે પાર્ટી કાર્યકર્તાઓએ મોટા મોટા બેનર લગાવ્યા હતા, હોર્ડીંગ લગાવ્યા હતા. પણ આ સભામાં આવેલા અમુક લોકો આ હોર્ડીંગ ઉખેડીને લઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે, ચૂલો સળગાવવામાં આ લાકડા કામમાં લાગશે, હોર્ડીંગ કામમાં આવશે. કારણ કે, સિલેન્ડરના ભાવ આસમાને પહોંચી ગયા છે. યુપીના હાપુડના ગઢમુક્તેશ્વરમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમાં ભાજપના કેટલાય મોટા મોટા નેતાઓના હોર્ડીંગ અને બેનર લગાવ્યા હતા. જેના પર લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જાહેરસભા ખતમ થયા બાદ અમુક લોકો આ હોર્ડીંગને ઉખેડીને લઈ ગયા હતા. ત્યાં હાજર મહિલાઓનું કહેવું હતું કે, મજૂર માણસો છીએ સાહેબ,ભાડાના મકાનમાં રહીએ છીએ. સિલેન્ડર 1000 રૂપિયે મોંઘો થઈ ગયો છે. એટલા માટે ભરાવી શકતા નથી. આ ઉપરાંત અન્ય કેટલીય મહિલાઓએ પણ જણાવ્યુ હતું કે, ગેસ સિલેન્ડરના ભાવ 1000 રૂપિયા થઈ ગયા છે. તેથી અમે પણ ભરાવી શકતા નથી. અહીંથી કંઈક વ્યવસ્થા થઈ જશે. આ હોર્ડીંગના લાકડા કંઈક કામમાં આવશે, જેથી અમારા ઘરનો ચૂલો સળગી શકે.
ભાજપ કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરાત અનુસાર નડ્ડાએ પોતાના સંબોધનમાં વર્ષ 2022 માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જબરદસ્ત જીત નક્કી કરવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રદેશમાં ભાજપનો વિજય થશે અને જાતિવાદ, ગુંડાગીરી તથા તુષ્ટિકરણની રાજનીતિની હાર થશે.
ભાજપ અધ્યક્ષે કાનપુરમાં અત્તરના વેપારીના ત્યાં પડેલા દરોડાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 250 કરોડ રૂપિયાથી વધારેનું કૈશ મળ્યું છે, પણ હાલત કોઈ અન્યની ખરાબ થઈ ગઈ છે. નડ્ડાએ આરોપ લગાવ્યો છે કે, સપાની અખિલેશ સરકારના કાર્યકાળમાં યુપીમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો અને તત્કાલિન એક મંત્રી તો હજૂ જેલમાં છે.
(ન્યુઝ એજન્સી)