પુસ્તકના પાના નંબર ૧૧૫ પરના શબ્દપ્રયોગ અને ડિજિટલ પ્રસારણ સામે એફઆઈઆર નોંધવા, પુસ્તકો જપ્ત કરવા તેમજ જાહેર માફીની માંગ; મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત

ગરવી તાકાત
‘પ્રેમમૂર્તિ સદ્. શ્રી પ્રેમાનંદસ્વામીના ગ્રંથો’ નામના પુસ્તકમાં રાવળ યોગી સમાજ પ્રત્યે અપમાનજનક અને ગેરબંધારણીય શબ્દપ્રયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે મહેસાણાના મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ વિવાદિત લખાણને લઈને સમગ્ર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ટ્રસ્ટના પ્રમુખ રાવળ ચંદુભાઈ વાહજીભાઈની આગેવાની હેઠળ રજૂ કરાયેલા આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, શ્રી સ્વામિનારાયણ મંદિર તીર્થધામ કુંડળ અને શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા દ્વારા પ્રકાશિત તથા સંત શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળ) પ્રેરિત આ પુસ્તકની નવેમ્બર-૨૦૧૦ની પ્રથમ આવૃત્તિના પાના નંબર ૧૧૫ પર ‘રાવળિયા’ શબ્દનો પ્રયોગ કરીને સમાજની તુલના ભિખારી અને નોકર જેવા શબ્દો સાથે કરવામાં આવી છે. એટલું જ નહીં, આ પુસ્તકની નકલો વિવિધ ડિજિટલ માધ્યમો અને વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ આ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.
સમાજની રજૂઆત અનુસાર, રાવળ યોગી સમાજ ભગવાન શિવના પરમ ઉપાસક અને શિવજીના વંશજ ગણાતો સનાતની સમાજ છે, ત્યારે આવા શબ્દપ્રયોગથી સમાજની સાથે ભગવાન શિવ અને સનાતન ધર્મની લાગણીને પણ ઠેસ પહોંચી છે, જેના કારણે સમગ્ર ગુજરાતના રાવળ યોગી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક સાહિત્યનો મુખ્ય હેતુ સમાજમાં સંવાદિતા અને સદ્ભાવના જાળવવાનો હોવા છતાં આવું લખાણ છાપીને ઓનલાઈન પ્રસારિત કરવાથી સામાજિક સમરસતામાં છેદ પડ્યો હોવાનું જણાવી ભારતીય ન્યાય સંહિતા, બંધારણીય જોગવાઈઓ તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો બનતો હોવાની રજૂઆત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે જવાબદાર પ્રકાશકો, પ્રેરક અને સંબંધિતો સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી કાયદેસરના પગલાં લેવા, વિવાદિત પુસ્તકની નકલો જપ્ત કરી વેબસાઈટ તથા ડિજિટલ પ્લેટફોર્મ પરથી લખાણ દૂર કરવા તેમજ સંસ્થા દ્વારા જાહેરમાં લેખિત માફી માંગી ભવિષ્યમાં આવા શબ્દો ન છપાય તેની બાંહેધરી લેવાની માંગણી કરવામાં આવી છે. જો યોગ્ય અને કડક કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ગુજરાતનો રાવળ યોગી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રવાના કરવામાં આવી છે, સાથે જ પુસ્તકના મુખપૃષ્ઠ, પાના નંબર ૧૧૫ના લખાણ અને સંસ્થાને કરાયેલી ઈમેઈલ રજૂઆતની નકલો બિડાણ તરીકે જોડવામાં આવી છે.