વડનગરમાં ઐતિહાસિક તાના-રીરી મહોત્સવ ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ: મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કરાવ્યો શુભારંભ

November 19, 2026

સંગીત, સંસ્કાર અને સમર્પણની ગાથા: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ સાથે વિરાસત’ના સંકલ્પને વડનગરની ધરા પર મળ્યો વેગ

તાનારીરી મહોત્સવ એ મહેફિલ નહીં, પરંતુ સંગીતની આરાધના છે: ઊર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ

 

ગરવી તાકાત

ઐતિહાસિક વડનગરની પવિત્ર ભૂમિ પર ભારતીય સંસ્કૃતિના ૨૦૦૦ વર્ષ જૂના વારસાને ઉજાગર કરતા બે દિવસીય ‘તાના-રીરી મહોત્સવ-૨૦૨૬’નો આજે ૧૯ નવેમ્બરના રોજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ સાથે વિરાસત’ના મંત્રને ચરિતાર્થ કરી રહ્યો છે. આ મહોત્સવ દ્વારા સંગીત જગતના કલાકારોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે.

આ પ્રસંગે ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તાના-રીરી મહોત્સવ એ કોઈ મહેફિલ નથી, પરંતુ તે સંગીતની અનન્ય આરાધના છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એવી તાકાત છે જે મનુષ્યના આત્માને ઝંઝોડીને તેને આત્મનાદથી બ્રહ્મનાદ સુધી પહોંચાડે છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જગદીશચંદ્ર બોઝે પણ વિજ્ઞાનના માધ્યમથી સાબિત કર્યું હતું કે વનસ્પતિ અને વૃક્ષોમાં પણ જીવ હોય છે અને સંગીત દ્વારા તેની પ્રતીતિ કરાવી શકાય છે. આ મહોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે, જેમણે કલાકારોને ઉચિત મંચ અને સન્માન આપવાની નવી દિશા કંડારી છે.

મંત્રીશ્રીએ તાના અને રીરીના ઐતિહાસિક બલિદાનને યાદ કરતા કહ્યું હતું કે, ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની આ બંને પુત્રીઓ સંસ્કાર, સ્વાભિમાન અને સમર્પણની અજોડ પ્રતિમા હતી. સંગીત સમ્રાટ તાનસેનના દીપક રાગથી ઉત્પન્ન થયેલા દાહને શાંત કરવા માટે તેમણે મલ્હાર રાગ છેડ્યો હતો. કલાની મર્યાદા અને પવિત્રતા જાળવવા માટે તેમણે આપેલું આત્મબલિદાન આજે પણ સંગીત પ્રેમીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. બુદ્ધકાળ અને સોલંકી યુગના વૈભવને સાચવીને બેઠેલા વડનગર માટે આ મહોત્સવ સંગીત જગતની એક અનોખી ભેટ છે.

મહોત્સવના પ્રથમ દિવસે શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારોની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં કુમારી સૂર્યા ગાયત્રીએ પોતાના શાસ્ત્રીય ગાયનથી વાતાવરણમાં ભક્તિભાવ રેલાવ્યો હતો.

પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ અને વિદ્વાન કુમારેશ રાજગોપાલને શાસ્ત્રીય યુગલવાદન દ્વારા સંગીતની ભવ્યતાના દર્શન કરાવ્યા હતા, જ્યારે શ્રી હાર્દિક દવેએ લોકગીતોની સુમધુર રજૂઆતથી વડનગરને સંગીતમય બનાવી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ મહોત્સવની શરૂઆત કરાવી હતી અને વર્ષ ૨૦૧૦થી વિશિષ્ટ કલાકારોને ‘તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ’ આપવાની પરંપરા શરૂ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ શ્રી યોગેશ બી.નિરગુડેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શ્રી એ.યુ.મકવાએ આભાર વિધિ કરી હતી.

તાનારીરી મહોત્સવના શુભારંભ પ્રસંગે ઉંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, અગ્રણી સર્વે શ્રી ગિરીશભાઈ રાજગોર, શ્રી જયરાજસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર ડૉ. હર્ષિત પી. ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષિલ મીણા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશભાઈ મેરજા, નિવાસી અધિક કલેકટર શ્રી મયંક પટેલ, અખિલ ભારતીય નાગર પરિષદના જલ્પાબેન દેસાઈ અને ગૌરાંગભાઈ વોરા તેમજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સંગીત પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0